મુંબઈઃ આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે બનેલા એક ચોંકાવનારા બનાવમાં, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના એક જવાને મુંબઈ આવી રહેલી જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબાર કરતાં ચાર જણના મરણ થયા હતા. આરોપી જવાનની ધરપકડ કરવામાં આવી છે. મૃતકોમાં આરપીએફના ટીકા રામ નામના એક સહાયક ઈન્સ્પેક્ટર તથા ત્રણ નાગરિકનો સમાવેશ થાય છે. આ ઘટના 12956 ટ્રેન વસઈ અને ભાયંદર વચ્ચે હતી ત્યારે એના B5 કોચમાં બની હતી.
આરપીએફના જવાને અચાનક પ્રવાસીઓ પર તેના ઓટોમેટિક શસ્ત્ર વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આરોપી જવાનને ચેતન તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે બોરીવલી સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિમાં હતી ત્યારે અને ઊભી રહે એ પહેલાં ઉતરી ગયો હતો. ટ્રેન બાદમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચી હતી.