ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપની સરકાર, મેઘાલયમાં ત્રિશંકુનાં એંધાણ

અગરતલાઃ ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ગઠબંધને ફરીથે ભગવો લહેરાવ્યો છે. બંને રાજ્યોમાં ભાજપ અને એની સહયોગી પાર્ટીઓ સૌથી વધુ સીટ પર આગળ છે, જ્યારે મેઘાલયમાં કોનરાડ સંગમાની પાર્ટી NPP સત્તામાં વાપસી કરતી નજરે ચઢી રહી છે. NCPP હજી બહુમતીના આંકડાથી દૂર છે, પણ રાજકારણના ખેલંદાઓ જણાવી રહ્યા છે કે એ ભાજપના ટેકાથી સરકાર બનાવી લેશે. બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો છે. પૂર્વોત્તરમાં ભાજપના ગઠબંધનને મળેલી સફળતાને નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં ઊજવવામાં આવશે. વડા પ્રધાન 7.30 કલાકે દિલ્હીમાં ભાજપના વડા મથકમાં કાર્યકર્તાઓને સંબોધશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

નાગાલેન્ડમાં એનડીપીપીની (ભાજપ ગઠબંધન)ની સત્તામાં વાપસી થતી દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં 58 સીટો પર આવેલા રુઝાન મુજબ એનડીપીપી 36 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે એનપીએફ 7 સીટો અને કોંગ્રેસ 2 સીટ પર આગળ ચાલી રહી છે.

મેઘાલયમાં બાજી પલટાઈ છે, કોનરાડ સંગમાની એનપીપી સૌથી મોટી પાર્ટી બની છે. ટીએમસી 8 સીટ પર ધકેલાઈ છે. એનપીપી હાલના 23 સીટો પર આગળ ચાલી રહી છે, ટીએમસી ફક્ત આઠ સીટ પર આગળ ચાલી રહી છે. અન્ય 16 સીટ પર લીડ બનાવી છે. મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસ 6-6 સીટ પર આગળ છે.