ગૌહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વા સરમાએ હાલમાં આરોપ મૂક્યો હતો કે પૂર્વોત્તર રાજ્ય જમ્મુ-કાશ્મીર બની શકે છે. હાલમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને હિન્દુઓના એક વિશેષ સમુદાયના લોકો દ્વારા આક્રમકતાથી બચાવવા માટે વિનંતી કરી હતી. સરમાએ ગઈ કાલે આસામના સિલ્ચરમાં RSS હેડ કર્વાર્ટરની મુલાકાત લીધી હતી. તેમણે હેડ ક્વાર્ટરના બંધ રૂમમાં બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું કે આસામ દેશમાં બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.
લોકોની આક્રમકતાને કારણે સત્ર બહુ જોખમમાં છે. એ સાથે રાજ્યના ટી બેલ્ટ અને અંતરિયાળ સરહદી વિસ્તારોમાં રહેતા હિન્દુઓ પર મોટા પાયે આક્રમણને કારણે વિલુપ્ત થવાને આરે છે. હું RSSના કાર્યકર્તાઓને આગ્રહ કરું છું કે તેઓ એ વિસ્તારોમાં જાય અને સંસ્થાનોને જોખમથી બચાવવા માટે હિન્દુઓને એકજુટ કરે. તમે એટલા માટે આવું કરીએ શકો છો, કેમ કે તમે જમીની સ્તરનું સંગઠન ધરાવો છો અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોની સાથે તમારો સંબંધ મજબૂત છે. હું સંઘને આ દિશામાં સરકારની મદદ કરવાની વિનંતી કરું છું.
રાજ્યમાં કેટલાક લોકો છે, જે CAA અને NRCના કટ્ટર વિરોધી છે. અમે તેમને એ સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે CAA અને NRC આસામ અને આસામિયા લોકોનાં હિતોની વિરુદ્ધ નથી. હાલમાં મને મળેલા બુદ્ધિજીવીઓએ મને સંદેશ આપ્યો હતો કે બંગાળી હિન્દુઓ ક્યારેય આસામિયા સમુદાય માટે જોખમ નથી. આસામના લોકો હવે વાસ્તવિકતા સમજવા લાગ્યા છે.