નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં છે. હરિયાણામાં અત્યાર સુધીના ચૂંટણીના પરિણામોના વલણો જોતાં બધા એક્ઝિટ પોલ ખોટા પુરવાર થાય એમ લાગી રહ્યું છે. અત્યાર સુધીનાં વલણોમાં ભાજપે બહુમત હાંસલ કર્યો છે.
આ પહેલાં વર્ષ 2019માં પણ હરિયામા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ભાજપને 61 સીટો મળશે, જ્યારે કેટલાક અન્ય એક્ઝિટ પોલમાં 75-80 સીટો જીતવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે એક્ઝિટ પોલથી બિલકુલ અલગ પરિણામો આવ્યાં હતાં. ત્યારે ભાજપને 40 સીટો પર જીત મળી હતી અને કોંગ્રેસને 31 સીટો જીતવામાં સફળ રહી હતી. જે એક્ઝિટ પોલના ભાજપના સ્પષ્ટ બહુમતના અંદાજથી વિરુદ્ધ હતાં.
હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે એ સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થશે. જોકે એક્ઝિટ પોલના અનુમાનથી ઉત્સાહિત વિરોધ પક્ષ કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં વાપસીની અપેક્ષા કરી રહી હતી. જોકે હરિયાણામાં ભાજપ 49 સીટો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 46 સીટો છે, જ્યારે કોંગ્રેસ 34 સીટો પર આગળ ચાલી રહી છે.
આ વર્ષની લોકસભા ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલે ભાજપના નેતૃત્વવાળી સત્તારૂઢ NDAની બમ્પર જીતની ભવિષ્યવાણી કરી હતી.એ સાથે અંદાજ લગાવ્યો હતો કે ભાજપ એકલા દમ પર બહુમત આંકડાથી ક્યાંય વધુ સીટો જીતશે, જેમાં NDAને 361થી 401 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે એક્ઝિટ પોલનાં પરિણામો ખોટાં સાબિત થયાં હતાં.NDAએને 293 સીટો મળી હતી ને ભાજપના ખાતામાં 240 સીટો આવી હતી.