શાહરૂખ-પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર

મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ વેચવામાં આવી હોવાના ગયા વર્ષના કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તમામ આરોપોમાંથી આજે નિર્દોષ જાહેર કર્યો છે. એટલું જ નહીં, આ કેસના સંબંધમાં એનસીબીએ જે આરોપનામું નોંધાવ્યું હતું એમાંથી પણ આર્યનનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. આ કેસ ગયા વર્ષની બીજી ઓક્ટોબરે ગોવા જઈ રહેલા એક લક્ઝરી જહાજ પર કથિતપણે ડ્રગ્સ વેચવાને લગતો હતો. તે મુંબઈ નજીક લાંગરવામાં આવ્યું હતું ત્યારે એનસીબીના અધિકારીઓએ એની પર દરોડો પાડ્યો હતો.

એનસીબીના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજયકુમાર સિંહે એક નિવેદનમાં કહ્યું છે કે ક્રૂઝ જહાજ પરથી કબજે કરાયેલી ડ્રગ્સને લગતા કેસમાં આર્યન ખાન અને મોહક સિવાય બીજા તમામ આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળી આવી હતી. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ કાયદાની વિવિધ કલમો હેઠળ 14 જણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પુરાવાના અભાવને કારણે બાકીના છ જણ સામે કોઈ ફરિયાદ નોંધી નથી. આ કેસમાં તપાસ અધિકારી સમીર વાનખેડેથી ભૂલો થઈ હતી એવું સંજયકુમાર સિંહે સ્વીકાર્યું છે.

કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પરની પાર્ટીમાં ડ્રગ્સ વેચવામાં આવી હોવાની બાતમી મળતાં ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાદમાં,  24 વર્ષના આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. એને અદાલતી કસ્ટડીમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યા બાદ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. આર્યન ખાને એની અરજીમાં એવો દાવો કર્યો હતો કે પોતે નિર્દોષ છે અને એને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. 25 દિવસ સુધી જેલમાં રખાયા બાદ 28 ઓક્ટોબરે એને જામીન પર છોડવામાં આવ્યો હતો.