કશ્મીરમાં ટીવી અભિનેત્રીની હત્યામાં સંડોવાયેલા ત્રાસવાદીઓ ઠાર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર પોલીસના અધિકારીઓએ કહ્યું છે કે કશ્મીરી ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સંડોવાયેલા બંને ત્રાસવાદીને દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લામાં અવંતિપોરાના અગનહાંઝીપોરા મોહલ્લામાં સુરક્ષા જવાનો તથા સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. બંને ત્રાસવાદી પાકિસ્તાનમાંથી સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના હતા. બંને ત્રાસવાદી અગનહાંઝીપોરામાં સંતાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા જવાનોએ દરેક ઘરની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. એવામાં એક ઘરમાંથી એમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપીને તે ઘરમાં સંતાયેલા બંને ત્રાસવાદીને ઠાર કર્યા હતા. એમને શાદી મુશ્તાક ભટ (બડગામ રહેવાસી) અને ફરહાન હબીબ (પુલવામા રહેવાસી) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. એ ત્રાસવાદીઓએ અમરીન ભટની ગયા બુધવારે એનાં ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી હતી.

પાટનગર શ્રીનગરમાં ગઈ કાલે થયેલા એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીને ઠાર કર્યા હતા. એ બંને પણ અમરીન ભટની હત્યામાં સંડોવાયેલા હોવાનું માલુમ પડ્યું હતું. સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ દિવસમાં કશ્મીરની ધરતી પર કુલ 10 આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. આમાં જૈશ-એ-મોહમ્મદના 3 અને લશ્કર-એ-તૈબાના 7 ત્રાસવાદીનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.