નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી.
આમ આદમી પાર્ટીને 2015ના મુકાબલે પાંચ સીટોનું નુકસાન છે. જ્યારે ભાજપને એટલી જ સીટોનો લાભ થયો છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 સીટ મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી કેજરીવાલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો હતો. ભાજપે પણ જનાદેશનો સ્વીકાર કરતાં સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવાની કહ્યું હતું. દિલ્હી કોંગ્રેસપ્રમુખ સુભાષ ચોપડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારતાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.