આપના ધારાસભ્યના કાફલા પર જીવલેણ હુમલોઃ એક સમર્થકનું મોત

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો.

પોલીસ અનુસાર આરોપીનું કહેવું છે કે, આપના ધારસભ્ય પર હુમલો કરવા અમે નહોતા આવ્યા. અશોક માન અને તેના ભત્રીજા હરેન્દ્રને મારવાના હતા. આરોપીઓએ ઓશક માનની નજીક જઈને 6 ગોળીઓ મારી જેમાં બે ગોળીઓ હરેન્દ્રને વાગી. પ્રાપ્ત વિગતો અનુસાર કાલૂના ભત્રીજા પર નવેમ્બર 2019 માં હુમલો થયો હતો અને તેના પગમાં ગોળી વાગી હતી. તે મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી પરંતુ કાલૂને શક હતો કે હુમલો અશોક માને કરાવ્યો છે. જો કે તે એફઆઈઆરમાં અશોકનું નામ નહોતું.

પોલીસે જણાવ્યું કે, ગત મોડી રાત્રે ધારાસભ્ય અને તેમના સમર્થકો રહરોલીમાં એક મંદીરમાં પૂજા કરીને પાછા ફરી રહ્યા હતા. સુત્રો અનુસાર મહરોલીના ધારાસભ્યના કાફલા પર સાત ગોળઈઓ ચલાવવામાં આવી હતી.