ચીનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા આપણી સેના તૈયારઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ વિશે રાજ્યસભામાં માહિતી આપી હતી. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે શાંતિ સ્થાપવા માટે કેટલીય સમજૂતી કરવામાં આવી હતી. ચીન ઔપચારિક સરહદોને નથી માનતું. એની કથની અને કરનીમાં ફરક છે. ચીન તરફથી ઉશ્કેરવાની કાર્યવાહી થઈ છે. LAC પર ચીનની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવા સેના તૈયાર છે.

તેમણે જણાવ્યું હતું કે જવાનોએ ગલવાન ખીણમાં ચીનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું હતું કે ચીનની કોઈ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ચીન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી થઈ છે. LAC પર ચીનની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવા સેના તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે સેના સીમા પર મક્કમતાથી તહેનાત છે. ભારત દ્વારા સૈન્ય તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ચીને પહેલ કરી હતી, પણ અમે તેમના ઇરાદાઓને સફળ નહોતા થવા દીધા. તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દે શાંતિપૂર્વક ઉકેલ ઇચ્છીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે ચીની પક્ષ અમારી સાથે મળીને કામ કરે.

તેમણે કહ્યું હતું કે સશસ્ત્ર દળોએ સ્પષ્ટપણે નિયમોનું પાલન કર્યું છે, જ્યારે ચીને એનાથી પાછળ હટી છે. તેમણે કહ્યું હતું કે ચીનની કાર્યવાહી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન છે. ચીન દ્વારા સૈનિકોની કાર્યવાહી 1993 અને 1996ની સમજૂતી વિરુદ્ધ છે. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન અને કડક જાપ્તો એ સરહદનાં ક્ષેત્રોમાં શાંતિનો આધાર છે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે સંસદના માધ્યમથી હું 130 કરોડ દેશવાસીઓને વિશ્વાસ આપવા માગું છું કે અમે દેશનું માથું ઝૂકવા નહીં દઈએ. એ અમારો, અમારા રાષ્ટ્ર પ્રતિ દ્રઢ સંકલ્પ છે. આપણા જવાનોનો જુસ્સો બુલંદ છે અને આપણા જવાનો કોઈ પણ સંકટનો સામનો કરવા માટે તૈયાર છે.