નવી દિલ્હીઃ નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, આશરે 250 જેટલા પાકિસ્તાની આતંકવાદીઓ LOC પાર તૈયાર બેઠા છે અને તે લોકો ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એલઓસી પાર આશરે 20 થી 25 સક્રિય આતંકી લોન્ચ પેડ છે અને તેઓ ભારત પર સતત નજર રાખીને બેઠા છે. જનરલ નરવણેએ કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટમાં ફરીથી આતંકી કેમ્પ સક્રિય કરી દિધા છે.26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાલાકોટ પર એર સ્ટ્રાઈક મામલે નરવણેએ કહ્યું કે, આપણે નિશ્ચિત રુપે ઘણું પ્રાપ્ત કર્યું છે. આતંકી શિબિરોનો નાશ થયો હતો. તેમણે કહ્યું કે, ત્યાં ફરીથી આતંકી શિબિરો સક્રીય બની ગઈ છે. સાથે જ તેમણે કહ્યું કે, આતંકી શિબિરો અને લોન્ચ પેડના સ્થાન બદલાતા રહે છે.
જનરલ નરવણેએ કહ્યું કે, આ એવી ધારણા છે કે આતંકી કેમ્પ મદરેસા અથવા કેટલાક વિશાળ મકાનોમાં ચલાવવામાં આવે છે. નાની ઝુંપડીઓથી પણ આતંકી શિબિરો સંચાલિત કરવામાં આવે છે. આ શિબિરો ગામડાના ઘરોમાંથી પણ ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુપ્તચર વિગતો અનુસાર સીમા પાર 200 થી 250 આતંકવાદીઓ રાહ જોઈ રહ્યા છે અને રોજ ઘુસણખોરીના પ્રયાસ કરી રહ્યા છે.
આર્મી ચીફે કહ્યું કે, ઘાટીમાં ભારે બરફવર્ષા થઈ રહી છે જેના કારણે પાકિસ્તાની આતંકવાદીઓ માટે ઘુસણખોરી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે વિદેશી આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરવાના પ્રયત્ન મામલે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે આ પ્રકારનો પ્રયત્ન કરનારા ઘણા આતંકીઓ માર્યા ગયા છે.