આ મંત્રી મહોદયે નાછૂટકે કારને બદલે બસમાં કેમ જવું પડયું?

પુડુચેરીઃ પુડુચેરી સરકારમાં મંત્રી આર કમલકન્નનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ બસમાં બેઠેલા નજરે આવી રહ્યા છે. તેઓ બસ દ્વારા મુસાફરી કરીને એક મિટીંગ માટે જઈ રહ્યા છે. તેમણે મજબૂરીના કારણે બસમાં મુસાફરી કરવી પડી. હકીકતમાં તેમની સરકારી ગાડીમાં પેટ્રોલ નહોતું અને પેટ્રોલ પંપ વાળાએ તેમની કારમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડી દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પેટ્રોલ પંપ માલીકના ઘણા પૈસા સરકાર પાસેથી લેવાના નિકળે છે. વિભાગ દ્વારા તેના બાકી પૈસા ચૂકવવામાં નથી આવ્યા. એટલા માટે તેમણે મંત્રીની કારમાં પેટ્રોલ ભરવાની ના પાડી દીધી. મંત્રી કમલકન્નનને એક મિટીંગ માટે જવાનું હતું. જો કે બાદમાં મંત્રી સરકારી બસમાં મુસાફરી કરીને મીટિંગ માટે પહોંચ્યા.

મંત્રી આર કમલકન્નનને બસમાં જોઈને લોકો પણ અચંબિત થઈ ગયા. બસમાં સવાર ઘણા લોકો તેમને મળ્યા. કેટલાલ લોકોએ તેમને પોતાની સમસ્યાઓ પણ જણાવી. બસમાં મુસાફરી દરમિયાન તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા મોદી સરકારના ઘણા મંત્રીઓ મેટ્રોમાં મુસાફરી કરતા નજરે આવ્યા છે. વડાપ્રધાન મોદી પોતે પણ દિલ્હી મેટ્રોમાં ઘણીવાર મુસાફરી કરી ચૂક્યા છે.