નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોની લડાઈની ક્ષમતાઓ વધારવા માટે રૂ. 84,328 કરોડના ખર્ચે હળવી ટેન્ક, જહાજવિરોધી મિસાઇલો અને લાંબા અંતરના બોમ્બ સહિત અનેક સેનાની જરૂરિયાતોનો માલસામાન અને હથિયારોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કમિટી (DAC)ના ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી આપી હતી.
અરુણાચલના તવાંગમાં LAC (લાઇન ઓફ કન્ટ્રોલ) પર ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા ઘર્ષણ પછી તણાવ પ્રવર્તી રહ્યો છે, ત્યારે સંરક્ષણ મંત્રાલયે સેનાને વધુ હથિયારો ખરીદી માટે મંજૂરી આપી હતી.
સેના માટે હળવી ટેન્કો અને માઉન્ટેડ ગન સિસ્ટમને LAC સહિત ઊંચાઈવાળા દુર્ગમ ક્ષેત્રોમાં તહેનાત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે DACએ મૂડી એક્વિઝિશન પ્રસ્તાવોને મંજૂરી આપી હતી, જેમાં ભારતીય સેના માટે છ, એરફોર્સ માટે છ, નેવી માટે 10 અને ભારતીય તટરક્ષક દળ માટે બે સામેલ છે. આ ખરીદીનું કુલ મૂલ્ય રૂ. 84,328 કરોડ છે. આ પ્રસ્તાવોમાં ઇન્ફેન્ટ્રી લડાકુ વાહનોની ખરીદી, હળવી ટેન્કો, નેવી માટે જહાજવિરોધી મિસાઇલ, જહાજો, મિસાઇલોની નવી શ્રેણી, લાંબા અંતરના બોમ્બ અને આગામી અપતટીય જહાજોની ખરીદી સામેલ છે.
મંત્રાલયે કહ્યું હતું કે રૂ. 82,127 કરોડના 21 પ્રસ્તાવોની ખરીદી સ્વદેશની સ્રોતો (97.4 ટકા)થી કરવામાં આવશે. DACની આ અભૂતપૂર્વ પહેલ સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ તો કરશે જ, બલકે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ પ્રાપ્ત કરવા માટે સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.