આવી ગઈ છે નેઝલ રસીઃ શરૂઆતમાં ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાક વાટે લઈ શકાય એવી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી – iNCOVACC ને મંજૂરી આપી દીધી છે. આનો ઉપયોગ ‘હેટરોલોજસ બૂસ્ટર’ તરીકે કરી શકાશે. હેટરોલોજસ (વિષમ) બૂસ્ટિંગમાં કોઈ વ્યક્તિને પ્રાથમિક ડોઝ શ્રેણી માટે વપરાયેલી રસી કરતાં અલગ પ્રકારની રસી આપવામાં આવે છે. આ રસી પહેલાં ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાશે. આ રસીને આજથી જ દેશના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવી છે. નેઝલ વેક્સિન આજથી જ CoWIN એપ ઉપર ઉપલબ્ધ થશે. iNCOVACCનો ઉપયોગ 18 વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો કરી શકશે.

ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીએ ગયા નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે તેની iNCOVACC નેઝલ વેક્સિનને ભારત સરકારની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ 18 વર્ષ અને તેનાથી ઉપરની વયનાં લોકોને ઈમર્જન્સી પરિસ્થિતિમાં આપવા માટે હેટરોલોજસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી દીધી છે.