ફારુખ એન્જિનિયરના દાવા પર ભડકી અનુષ્કા, કહ્યું મારું મૌન મારી કમજોરી નથી…

મુંબઈઃ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તાજેતરમાં જ ટ્વીટર પર એક પોસ્ટ કરી છે, જે લોકો માટે ખૂબ અચંબિત કરનારી હતી. આ પોસ્ટમાં અનુષ્કા શર્માએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે તે પોતાનું નામ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ વિવાદમાં ફસાવા નહી દે. હકીકતમાં ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર ફારુખ એન્જિનિયરે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે વર્લ્ડ કપ 2019 દરમિયાન ટીમ સિલેક્ટર્સે અનુષ્કા શર્માને ચા પીરસી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં ફારુખે જણાવ્યું કે હું એ સીલેક્ટરને નથી જાણ તો પરંતુ તેણે કહ્યું હતું કે તે સિલેક્ટર્સમાંથી એક છે.  અનુષ્કા શર્માએ ફારુખ એન્જિનિયરના દાવાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મારા મૌનને મારી કમજોરી ન સમજો.

અનુષ્કા શર્માએ પોતાની પોસ્ટમાં ફારુખ એન્જિનિયરને જવાબ આપતા લખ્યું કે, ફેક ન્યૂઝને કઈ રીતે પહોંચી વળાય એ મામલે મારો મત છે કે ચુપ રહો અને ટીકાકારોને બોલવા દો. આ પ્રકારે મેં મારી 11 વર્ષની કારકીર્દીમાં સ્થિતીઓ સંભાળી છે. હું હંમેશા મારા મૌનના પડછાયામાં સત્યને ઉભું રાખી દઉં છું. તેઓ ખોટું પણ એટલીવાર બોલે છે કે તે પણ આખરે સત્ય લાગવા લાગે છે અને મને આખરે એ વાતનો ડર છે કે મારા સાથે શું થઈ રહ્યું છે. મારા મૌનના કારણે મારા માટે બોલવામાં આવેલા અસત્યને લોકો સત્યમાં બદલવા લાગ્યા છે પરંતુ આજે આનો અંત આવશે. હું હંમેશા ચૂપ રહું છું. હું એ સમયે પણ ચૂપ રહી કે જ્યારે મારા પતિ વિરાટ કોહલીના પ્રદર્શન માટે મને જવાબદાર ગણવામાં આવી. આ સીવાય પણ ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ માટે મારુ નામ જોડવામાં આવ્યું. મારુ નામ એ કિસ્સાઓમાં લેવામાં આવ્યું કે હું બંધ બારણે થતી ક્રિકેટ ટીમની બેઠકોમાં જોડાતી હતી અને ટીમનું સિલેક્શન મારા કારણે પ્રભાવિત થતું હતું.

પોતાની પોસ્ટમાં અનુષ્કા શર્માએ આગળ લખ્યું કે, મારું નામ એ સમયે પણ ખોટી રીતે લેવામાં આવ્યું, જ્યારે કહેવામાં આવ્યું કે હું મારા પતિ સાથે વિદેશ પ્રવાસ પર વધારે સમય વિતાવું છું. પરંતુ જો તથ્યો પર ધ્યાન આપવામાં આવે તો મેં હંમેશા પ્રોટોકોલને અનુસર્યા છે. એપણ કહેવામાં આવ્યું કે બોર્ડ મારા માટે ટિકીટ અને સુરક્ષાની પણ વ્યવસ્થા કરે છે જ્યારે સત્ય એ છે કે મેચ અને ફ્લાઈટ ટિકીટ હું જાતે ખરીદું છું. હવે આ બધાથી અલગ એક નવું અસત્ય ફેલાવવામાં આવી રહ્યું છે કે મને ટીમ સિલેક્ટર્સે વર્લ્ડ કપ 2019 માં ચા પીરસી હતી. જ્યારે સત્ય એ છે કે હું વર્લ્ડ કપમાં માત્ર એક મેચમાં જ આવી હતી અને ફેમિલી બોક્સમાં બેઠી હતી, સિલેક્ટર્સ સાથે નહી. જો તમારે પોતાના સિલેક્ટર્સ અને તેમની યોગ્યતાઓ પર પ્રશ્નો ઉઠાવવા હોય તો બેશક ઉઠાવો, પરંતુ આમાં મારું નામ વચ્ચે ન લાવશો. પરંતુ હું હવે કોઈપણ વ્યક્તિને આ પ્રકારે મારું નામ ખોટી રીતે વચ્ચે નહી લાવવા દઉં.

ત્યારે હવે ફારુખે આ મામલે માફી માંગી છે. ફારુખે કહ્યું છે કે મેં ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર વ્યંગ કરતા આ ટિપ્પણી કરી હતી અને હવે આમાં રાઈનો પહાડ બનાવવામાં આવી રહ્યો છે. તેમણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના વખાણ કતા કહ્યું કે, અનુષ્કાનું નામ આ વિવાદમાં ખોટી રીતે વચ્ચે લાવવામાં આવી રહ્યું છે. તે એક સારી અને પ્રેમાળ વ્યક્તિ છે. વિરાટ કોહલી જોરદાર કેપ્ટન છે અને કોચ રવિ શાસ્ત્રી પણ ખૂબ સારા મેનેજર છે. આ આખા મામલાને ખોટો હાઈપ આપવામાં આવી રહ્યો છે. અહીંયા વાત સિલેક્ટરની થવી જોઈએ કે જેણે ભારતીય ટીમનું બ્લેઝર પહેર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]