બાણેજના ‘એકમાત્ર’ મતદાર ભરતદાસજીનું નિધન, રાજકોટમાં લીધાં અંતિમ શ્વાસ

જૂનાગઢઃ ભારતનું એકમાત્ર એવું મતદાન મથક કે જ્યાં એક જ વોટથી સો ટકા મતદાન પૂર્ણ થઈ જતું હતું તેવા બાણેજ મતદાનમથક માટે હવે વિશેષ મતદાન ક્યારેય થઈ શકશે નહીં. આ મતદાન મથકના એકમાત્ર મતદાર એવા ભરતદાસજી બાપુનું આજે નિધન થયું છે.

જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં આવતાં સાસણગીરના જંગલમાં બાણેજ ગામથી 20 કિલોમીટર દૂર આવેલાં શિવમંદિરના પૂજારી એવા ભરતદાસજી બાપુનું રાજકોટમાં સારવાર દરમિયાન એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓને કીડનીની બીમારીની સારવાર માટે દાખલ કરવામાંમાં આવ્યાં હતાં.

ભરતદાસજી બાપુ દેશભરમાં એકમાત્ર મતદાર હોવાનું માન પામ્યાં હતાં. 2009થી ભારતના ચૂંટણીપંચ દ્વારા તેમના માટે વિશેષ મતદાનમથક ખડું કરવામાં આવતું હતું કે જેનાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. મતદાનના દિવસે બે સુરક્ષાકર્મી અને ચૂંટણીકર્મીઓનો કાફલો મતદાન માટે પોલિંગ બૂછ શરુ કરતાં હતાં અને તેમાં આવીને ભરતદાસજી બાપુ મતદાન કરે એટલે 100 ટકા મતદાન કામગીરી સંપન્ન થતી હતી.. જોકે મતદાનનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી પોલિંગબૂથ ખુલ્લું જ રહેતું હતું.

છેલ્લે લોકસભા ચૂંટણી દરમિયાન ભરતદાસજી બાપુએ મતદાન કર્યું હતું. તેઓ દરેક ચૂંટણી દરમિયાન અચૂક મતદાન કરતાં હતાં. હવે તેમના નિધનના પગલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની આ વિશેષતાનો પણ અંત આવી રહ્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે શનિવાર 2 નવેમ્બરના રોજ ભરતદાસજીની અંતિમવિધિ કરવામાં યોજાશે. તેમના નિધનના સમાચારના પગલે જૂનાગઢના સંતસમાજમાં શોકની લહેર ફરી વળી હતી. આવતીકાલે સવારે જામવાળા ગીરમાં જમદગ્નિ આશ્રમ જમજીર જામવાળા ગીરમાં સવારે 11 કલાકે અંતિમવિધિ કરવામાં આવશે.