ઐશ્વર્યા રાય : હું મિસ પરફેક્ટ નથી

ભૂતપૂર્વ ‘મિસ વર્લ્ડ’, બોલીવૂડ બ્યુટી, અભિનેતા અભિષેકની પત્ની, બચ્ચન પરિવારની વહુ, 9 વર્ષની આરાધ્યાની મમ્મી ઐશ્વર્યા રાય-બચ્ચન આજે 1 નવેંબરે એનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. એની પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેમજ પ્રશંસકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૯૯૯ દીપોત્સવી અંકનો)


1999નું વર્ષ ઐશ્વર્યા રાયનું બની રહ્યું હતું. પહેલી વાર એનાં અભિનયનું ઐશ્વર્ય લોકો સમક્ષ છતું થયું. હવે તો એ મિસ બિઝી બની ગઈ છે. આ ઈન્ટરવ્યૂમાં એ થોડીક ગાંડીઘેલી ને થોડીક ડાહીડમરી વાતો કરે છે, બિકોઝ ધેટ્સ ઐશ્વર્યા.

તેં શ્રેષ્ઠ ડિરેક્ટરો સાથે કામ કર્યું છે તો…

– મારામાં રસ લેવા બદલ હું એમની ઋણી છું. હું અભારી એટલે છું કે ‘મિસ ઈન્ડિયા’નું બિરુદ મળ્યું તે પહેલાં એમણે મારો સંપર્ક કર્યો હતો.

તને લાગે છે કે તું ‘મિસ વર્લ્ડ’ બની એટલા માટે તને શ્રેષ્ઠ ઑફરો મળી?

– લોકો ભલે એવું માને, પણ મને નથી લાગતું. એ તાજે મને સમાજમાં ઊંચું સ્થાન અપાવ્યું છે એ સાચું, પણ ઈન્ડસ્ટ્રીમાં એને લીધે મને કામ મળ્યું છે એવું હું માનતી નથી. ઈન્ડસ્ટ્રીના મહારથીઓને મારા ટાઈટલની જરૂર નથી.

‘તાલ’નો અનુભવ કહીશ?

– તાલે પરદેશમાં રેકૉર્ડ બ્રેક બિઝનેસ કર્યો છે. મારું પાત્ર વખણાયું છે. સુભાષ ઘઈની પહેલાંની ફિલ્મો કરતાં ‘તાલ’ સાવ અલગ છે. સમય સાથે તાલ મિલાવીને એમણે પરિવર્તન કર્યું એ સારું થયું છે.

આજે ઍકટ્રેસ તરીકે તું કેવી છે?

– પહેલે વર્ષે હું ફાંફાં મારતી હતી. જોકે મણિરત્નમના માર્ગદર્શનમાં હું ખોવાઈ નહોતી. પરંતુ હું ઍક્ટિંગની ટેકનિક શીખતી હતી અને મારામાં રહેલી અભિનેત્રીને ખોળતી હતી. હજી ગોતું છું.

સફળતાનો કેફ કેવો લાગે છે?

– બૉક્સ ઑફિસની સફળતા જુદી ચીજ છે. ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘તાલ’ ભલે આજે આવી, પણ એના ડિરેક્ટરોએ તો મને ‘ઔર પ્યાર હો ગયા’ વખતે જ સાઈન કરેલી. એમણે મારો છેદ નહોતો ઉડાડી દીધો. દરેક ફિલ્મમાં મને સશક્ત ભૂમિકા મળી છે. ક્યારેય કોઈએ કહ્યું નથી કે આના પર ઘણી મહેનત કરવી પડશે. અલબત્ત, હિટથી ખુશી તો થાય છે, પણ મારી જિંદગી બદલાઈ નથી. હા, મારી પ્રાઈસથી હું છકી ગઈ છું.

બધા કહે છે બહુ વધુ છે તારી પ્રાઈસ…

– વિવેચકોનો દ્રષ્ટિકોણ જરૂર બદલાયો છે. ડિરેક્ટરોથી માંડીને લેખક સુધીના ઈન્ડસ્ટ્રીના લોકોનો રિસ્પૉન્સ તો મને હંમેશાં સારો મળેલો અને એટલે જ હું કૉન્ફિડન્ટ હતી. હવે મિડિયા પણ મને વખાણે છે. ‘ઈરુવર’ ફિલ્મ વખતે મણિની પત્ની સુહાસિની કહેતી: ‘એ તારી સાથે નવોદિત તરીકે નથી વર્તતો.’ મણિનું વર્તન એવું રહેતું, જાણે હું ઈન્ડસ્ટ્રીનો જ એક હિસ્સો હોઉં. પહેલાં તો હું ડિરેક્ટરની જ ઍકટ્રેસ ગણાતી. એ કહે કે બેસ તો બેસતી. ઊઠ કહે તો ઉઠતી. જંપ કહે તો કૂદતી અને બ્લિંક કહે તો આંખ પટપટાવતી. ‘અલબેલા’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘આ અબ લૌટ ચલે’ અને ‘જોશ’નાં પાત્રોમાં હું સમરસ થઈ ગઈ. મારા કૉશ્ચ્યુમ્સમાં પણ ધ્યાન પરોવવા માંડી.

એટલે હવે તું ડિરેક્ટરની ઍકટ્રેસ નથી રહી?

– કેમ નહીં? હજી પણ હું ડિરેક્ટરની ઍકટ્રેસ છું જ. એમનાં જ પાત્રો ભજવું છું. જો કે હવે મારા તરફથી ઘણું ઉમેરું છું. મને મારો પ્રયાસ પડદા પર પ્રતિબિંબિત થતો દેખાય છે.

પણ એમાં જ તો ગ્લૅમર છે…

– સાચું, પણ જુદા પ્રકારની ફિલ્મો પણ બને છે. સમાજ પર એવી ફિલ્મોનો પ્રભાવ પડે છે, કારણ કે એ નવા ટ્રેન્ડ્સ સ્થાપે છે. હું ફૅશન સ્ટેટમેન્ટ નથી કરતી. મારા માટે પાત્ર પહેલું ને બીજું બધું પછી. પાત્રની મર્યાદામાં રહીને હું દેખાવ પર ધ્યાન આપું છું. એડિટિંગ ટેબલ પર બેસવું ગમે છે. શરૂઆતમાં સ્ટોરીસેશન વખતે હું પણ વિચારતી. હું મારી જાતને નસીબદાર માનું છું, કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે હીરોઈનોને એટલો ભાવ કોઈ આપતું જ નથી. ફિલ્મ બનવા માંડે ત્યારે જ તમને ખ્યાલ આવે કે ગાડી પાટા પરથી ઊતરી ગઈ.

તને તારા વ્યસ્ત શેડ્યુલમાં આખી સ્ક્રિપ્ટ વાંચવાનો સમય મળે છે?

– ઓહ. ઘણો ટાઈમ મળી રહે છે. પ્રવાસ દરમિયાન કે બે શોટ્સ વચ્ચે નવરાશ મળી જ રહે. વાંચવાથી પાત્રનો સંપૂર્ણ ગ્રાફ મળી જાય છે. ‘હમ દિલ દે ચુકે સનમ’માં નંદિનીને આસાનીથી ભજવી શકી, કેમ કે સ્ક્રિપ્ટ વાંચવી મળી હતી. એવી જ રીતે ‘તાલ’માં સુભાષજીએ નરેશન કર્યું હતું અને અમે ‘માનસી’નું પાત્ર લંબાણથી ડિસ્કસ કરેલું. એના દેખાવનો પણ વિચાર કરેલો.

– ઉત્સ્ફૂર્તતા ન હોય તો પડદા પરનો અભિનય ઉભડક લાગે. સાથોસાથ ગ્રાફ જાણવો પણ જરૂરી છે. જો મારે ઈમોશનલ સીનમાં આંસુ સારવાં પડે તો રડવાનું કારણ જાણવું જરૂરી છે.

કૉમેડી કરતાં તું ઈમોશનલ સીન આસાનીથી ભજવી શકે છે એ સાચું?

– કૉમેડી ટાઈમિંગ પર નિર્ભર રહે છે. એ અઘરું છે. લોકો એટલા દુ:ખી છે કે એમને હસતા કરવાનું આસાન નથી. ઈમોશન્સ સ્વાભાવિક હોવાથી દર્શાવવી આસાન છે. એ દર્શાવવા આંસુની જરૂર નથી. ઈમોશન તો પ્રેમ, ક્રોધ, ઉત્કટતા કે ઉદાસીનતા હોઈ શકે. બીજું આપણી ફિલ્મો ખૂબ લાઉડ હોય છે. સંવાદોમાં જ રમૂજ સમાઈ જતી હોય તો આર્ટિસ્ટનાં સૂક્ષ્મ ભાવપ્રદર્શનો દર્શકો સુધી પહોંચી જ નથી શકતાં.

તારી ફિલ્મોમાં અકસ્માત અનિવાર્ય હોય એવી પ્રથા જ થઈ ગઈ છે…

– હા, હું એક્સિડન્ટ ક્વીન છું. ખાસ તો ગીતના શૂટિંગ વખતે મુશ્કેલી સર્જાય જ છે. ‘જીન્સ’ના એક ગીતના શૂટિંગ વખતે મને ફલ્યુ થયેલો. ‘હમ દિલ દે ચુકે સનમ’ના ‘નીંબુડા’ ગીતના શૂટિંગ વખતે પગે એટલાં છાલાં પડેલા કે કળતર થતી. આમ છતાં હું નાચી. મને લાગે છે કે નિષ્ઠા જરૂરી છે. હું એવા ઍક્ટરોને જાણું છું, જે ઘૂંટણ ઘવાય કે મસલ્સ તણાય, છતાં ઍક્શન શૉટ્સ ચાલુ રાખે છે. ઉપરાંત સફળતા મળી જાય અને તમે જાતને સાબિત કરી દો પછી દુનિયાની ને તમારી અપેક્ષા વધી જાય છે. જરાક બાંધછોડ કરો તો તમારો જ જીવ બળે છે.

પણ મહેનત અને કાળી મજૂરીમાં કંઈક તો ફરક તો ખરોને?

– વેલ, જીવન એનું જ નામ છે. જુઓને, મારે ઘણા સારા પ્રૉજેક્ટસ નકારવા પડ્યા છે, કેમ કે સમયનો અભાવ હોય છે.

પ્રેસ તારા પૅક શેડ્યુલમાં ક્યાં સમાય?

– અગાઉનાં મારાં બધાં જ શેડ્યુલ્સ વિદેશનાં હતાં. ભારતમાં સૌથી વધુ શૂટિંગ મેં ‘હમ દિલ દે ચુકે સનમ’નું કર્યું. એ પહેલાં એક-બે દિવસ હું મુંબઈમાં હતી ત્યારે સ્ટોરીસેશન, ડિસ્કશન, ટ્રાયલ્સ અને ડિરેક્ટરો સાથે મીટિંગમાં જ સમય વીતી ગયો. ઈન્ટરવ્યુનું તો એવું છે કે હું બે-ત્રણ પ્રશ્ર્નોમાં પતાવી નાખો જેવો અભિગમ અપનાવતી નથી. મને નિરાંતે બેસીને વાતો કરવી ગમે છે. મિડિયા આ જાણે છે, છતાં એવી ગેરસમજ ઊભી કરે છે કે હું કોઈને મળતી નથી. બાકી મિડિયા સામે મારો કોઈ વાંધો નથી. મેં હવે નક્કી કર્યું છે કે મારી ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે અચૂક હું મિડિયા સાથે હળીશમળીશ, જેથી વાતનો વિષય મળી રહે.

તારી શક્તિ શામાં છે?

– મારી શક્તિ છે મારું કુટુંબ, મારાં સ્વજનો. આ ઉપરાંત મારા જીવનમાં આવેલા બધા જ લોકો, જેમણે મને ચાહી છે કે નથી ચાહી. એ બધા જ લોકોએ મારી અંગત ઈમોશનને વધુ બળવત્તર બનાવી છે. બધા જ મારી જાતને ખોળવામાં મને સહાય‚પ થયા છે. જો કે હજી મારી જાત વિશેની મારી ખોજ ચાલુ છે. એ ખોજમાંથી મને જોઈતી શક્તિ મને મળી રહે છે.