આંધ્રની રિફાઇનરીની, બિહારની પાવર પ્લાન્ટની કેન્દ્ર પાસે માગ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુએ હાલમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાતને હજી પાંચ જ દિવસ વીત્યા છે, ત્યારે કેન્દ્રએ આંધ્ર પ્રદેશમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણથી ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપિત કરવાની મુખ્ય માગનો સ્વીકાર કરી લીધો છે. NDA સરકારમાં સામેલ નાયડુએ બુધવારે BPCLના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને રાજ્યમાં રિફાઇનરી સ્થાપિત કરવા માટે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના નીતીશકુમાર પર ટકી છે.

BPCLના અધિકારીઓ સાથે નાયડુએ રિફાઇનરી માટે ત્રણ સ્થાનો માટે ચર્ચા કરવામાં આવી હતી, એમાં શ્રીકાકુલમ, મછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમ સામેલ છે. આ રિફાઇનરીની ઔપચારિક ઘોષણા 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી સંભાવના છે. સ્થાનોની સમીક્ષા કરવામાં આવશે અને એને અંતિમ રૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં કમસે કમ બે મહિના લાગશે અને બજેટમાં સ્થાનની ઘોષણા નહીં કરવામાં આવે.આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ માટે એક મોટી જીત છે, કેમ કે તેમણે PM અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની સાથે બેઠકોમાં રિફાઇનરી સ્થાપિત કરવા માટે ભાર આપ્યો હતો.

BPCL અને પેટ્રોલિયમ મંત્રાલયે આ પગલા વિશે કશું કહ્યું નથી, પણ નાયડુએ X પર લખ્યું છે કે દેશના પૂર્વના તટ પર વ્યૂહાત્મક રૂપથી અમારા રાજ્યમાં પેટ્રોકેમિકલની મહત્ત્વપૂર્ણ સંભાવના છે. આજે મેં BPCLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃષ્ણકુમારના નેતૃત્વમાં પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. અમે આંધ્ર પ્રદેશમાં 60-70,000 કરોડના મૂડીરોકાણ માટે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સની સ્થાપનાની સંભાવના પર વિચાર કર્યો હતો.

બિહારે શું માગ્યું?

બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રોલાઇન્સ અને સાત નવી મેડિકલ કોલેજની સાથે 200 અબજનો થર્મલ પાવર પ્લાન્ટ લગાવવા માટે કેન્દ્રથી પૈસા માગ્યા છે. આ ઉપરાંત 20,000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાની મરામત માટે અલગથી માગ રાખી છે. એ સાથે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી છે.