નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર વધી રહ્યું છે, તેમ-તેમ ભારતીયોની સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. આવનારાં વર્ષોમાં ભારતમાં સમૃદ્ધ વર્ગમાં ઝડપથી વધારો થશે અને સારીએવી કમાણી કરવાવાળા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, એમ ગ્લોબલ બેન્કિંગ ગ્રુપ ગોલ્ડમેન સાશે કહ્યું હતું.
અહેવાલ કહે છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતમાં સમૃદ્ધિ લોકોની સંખ્યા વધીને 100 મિલિયન એટલે કે 10 કરોડ થઈ જશે. રિર્પોર્ટ તૈયાર કરવા માટે ભારતીયોને એ કેટેગરીમાં રાખ્યા છે, જેમની વાર્ષિક આવક 10,000 ડોલરથી વધુ થઈ જશે. ભારતીય કરન્સીમાં આ રકમ આશરે રૂ. 8.30 લાખ થાય છે.
રિપોર્ટ કહે છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં રૂ. આઠ લાખ કે તેથી વધુની કમાણી કરતા ભારતીયોની સંખ્યા ઝડપથી વધી છે. વર્ષ 2015માં ભારતમાં 2.4 કરોડ લોકો એવા હતા, જે વાર્ષિક રૂ. 8.30 લાખથી વધુની કમાણી કરતા હતા. આ કેટેગરીમાં લોકોની સંખ્યા હવે વધીને છ કરોડ થઈ ગઈ છે. આમ છેલ્લાં આઠ વર્ષોમાં રૂ. આઠ લાખ કરે તેથી વધુની વાર્ષિક આવક કરનારા લોકોની સંખ્યા અઢી ગણી થઈ ગઈ છે. વળી, જેમ-જેમ ભારતમાં સમૃદ્ધ લોકોની વસતિમાં વધારો થશે તેમ—તેમ દેશમાં લક્ઝરી માલસામાનોની માગ વધશે. છેલ્લા દાયકામાં અર્થતંત્રના મોરચે નોંધપાત્ર વધારો, સ્થિર ધિરાણ નીતિ અને ઊંચા ક્રેડિટ ગ્રોથને કારણે ભારતીયોની સમૃદ્ધિમાં વધારો થયો છે. ભારતીયોની વ્યક્તિદીઠ સરેરાશ આવક 2100 ડોલર એટલે કે રૂ. 1.74 લાખ વાર્ષિક છે.