મોદીના જીવન-વિઝન ઉપર કલાકૃતિ પ્રદર્શન યોજાશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને દ્રષ્ટિ વિશે દેશ-વિદેશના લોકોને ચિત્રો- શિલ્પના માધ્યમથી માહિતગાર કરવાના આશયે “મોદી@20” નામે એક વિશાળ કલા પ્રદર્શન શુક્રવારે, પહેલી ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજધાની નવી દિલ્હીમાં રવીન્દ્ર ભવન મંડી હાઉસ સ્થિત લલિત કલા અકાદમીમાં યોજાઈ રહ્યું છે.

આ દેશવ્યાપી રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં વડા પ્રધાન મોદીના જીવન, કાર્ય અને દૂરદ્રષ્ટિને ચિત્રિત કરતાં ચિત્રો અને શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ કલાકૃતિઓ દેશનાં વિવિધ રાજ્યોના બસોથી વધુ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ ભવ્ય પ્રદર્શનમાં દેશના પીઢ નામાંકિત અને અગ્રણી તથા યુવા નવોદિત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતમાંથી ભાવના રાજપૂત, ડો. પૂજા અસ્નાની, ખુશ્બૂ પટેલ, નીલેશ સિધપુરા, રાજેન્દ્ર શ્રીમાળી અને રાજેશ વી. બારૈયા – એમ છ કલાકારોની કૃતિઓ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવી છે. સુભદ્રા આર્ટ ગેલેરી જે સુભદ્રા ટ્રસ્ટનું એક એકમ છે એમણે ખાનગી ક્ષેત્રો વ્યવસાયિક ક્ષેત્રો રાજ્યો અને કેન્દ્ર સરકારના સક્રિય સહયોગ દ્વારા આ આયોજનની આગેવાની કરી છે. આ વિશાળ પ્રદર્શનને રંગટા આર્ટ્સ સહિત અનેક એકમોનો સહકાર મળ્યો છે.

દિલ્હીનાં જાણીતા ચિત્રકાર અને આ અવસરનાં સંયોજક મધુ ધીરે જણાવ્યું છે કે “મોદી એટ ટવેન્ટી” શીર્ષક હેઠળ સુભદ્રા આર્ટ ગેલેરી દ્વારા આ અગાઉ ઓડિશામાં ભુવનેશ્વર, ઇશાન પ્રાંતમાં ગુવાહાટી, માંડ્ય પ્રદેશમાં ભોપાલ, મહારાષ્ટ્રમાં નાગપુર, ઉત્તર પ્રદેશમાં વારાણસી તેમ જ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વગેરે સ્થળોએ સ્થાનિક આર્ટ ગેલેરીઓ અને સંસ્થાઓના સહયોગથી આવાં ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે, જેને ભારે પ્રતિસાદ મળ્યો છે.