‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ પાંચ વર્ષ લંબાવાઈ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ પદ હેઠળ પ્રધાનમંડળની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2024ની 1 જાન્યુઆરીથી પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દેશના ગરીબ લોકોના પરિવારને દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. અંત્યોદય યોજનામાં આવરી લેવાયેલા પરિવારોને દર મહિને 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. સરકારના આ નિર્ણયથી દેશના 81 કરોડ જેટલા લોકોને લાભ થશે.

ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પાંચ વર્ષ માટે લંબાવવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 11.8 લાખ કરોડ રૂપિયાનો બોજો આવશે, પરંતુ આનાથી ગરીબ અને વંચિત લોકોનાં પરિવારોને નિશ્ચિત ફાયદો થશે.

2020-21માં કોરોના બીમારી વખતે લોકડાઉનના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી ત્યારે ગરીબ વર્ગનાં લોકોને રાહત પૂરી પાડવા માટે મોદી સરકારે આ યોજન શરૂ કરી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર ત્રણ મહિના માટે હતી, પરંતુ ત્યારબાદ એની મુદત નિયમિત રીતે વધારવામાં આવી છે.