ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર એક ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મળતા જ ઈન્ડિયન એરફોર્સે પાયલટને સુરક્ષિત પ્લેનમાંથી બહાર કાઢ્યા અને આમાં કોઈ જાન હાનિ થઈ નથી પરંતુ એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાઝિયાબાદના સદરપુર ગામમાં આજે બપોરે ચાર્ટર્ડ પ્લેનમાં અચાનક ખરાબી આવી જવાના કારણે ઈસ્ટર્ન પેરિફેલ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લેન્ડિંગ દરમિયાન વિમાનનું લેફ્ટ વિંગ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને સમાચાર મળતા જ એરફોર્સના જવાનોએ પાયલટને બચાવી લીધા છે.
એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. એક્સપ્રેસ-વેની આસપાસ ઘણા ગામના લોકો પણ જમા થઈ ગયા હતા જેમને દૂર કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી ગાઝિયાબાદ પોલીસ અનુસાર, જલ્દી જ અહીંયા વાહન વ્યવહાર પૂર્વવત થઈ જશે. ઈમરજન્સી લેન્ડિંગની જાણકારી મળતા જ લોકો અને એમાં પણ ખાસ કરીને યુવાનો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ચાર્ટર્ડ પ્લેન સાથે તેઓ સેલ્ફી લેવા લાગ્યા અને કેટલાકે તો વીડિયો પણ બનાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું તે, નેશનલ કેડેટ કોરનું હતું. દુર્ઘટના દરમિયાન પાયલટ ટ્રેનિંગ આપી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વિમાનમાં પાયલટ સહિત બે લોકો સવાર હતા.
કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં વિમાનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરી દેવામાં આવે છે. આ ઈમરજન્સી ટેક્નિકલ અને માનવીય અને વાતાવરણ સંબંધિત પણ હોઈ શકે છે. ગાઝિયાબાદમાં જે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ ઈન્ડિયન એરફોર્સના જવાનોની મદદ દ્વારા કરવામાં આવ્યું, તે વિમાન નાનું વિમાન હતું અને એટલા માટે તેને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર ઉતારી દેવામાં આવ્યું.