ગોસ્વામીની ધરપકડ, સત્તાનો દુરુપયોગઃ અમિત શાહનો આક્રોશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની આજે સવારે મુંબઈમાં કરાયેલી ધરપકડ મામલે રોષની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે ગોસ્વામીની ધરપકડ સત્તાનો ખુલ્લંખુલ્લા દુરુપયોગ છે. પ્રેસ (પત્રકારત્વ)ની આઝાદી પર આ હુમલાનો વિરોધ જરૂર કરવો જોઈએ.

અમિત શાહે વિરોધપક્ષોને ટાર્ગેટ કરીને કહ્યું કે એમણે લોકશાહીને ફરીથી કલંકિત કર્યું છે. આજની ઘટના પોતાને કટોકટીના દિવસોની યાદ અપાવે છે, એમ પણ શાહે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ નજીકના અલીબાગ નગરમાં 53-વર્ષીય ઈન્ટીરિયર ડિઝાઈનર, આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાએ 2018ના મે મહિનામાં કથિતપણે કરેલી આત્મહત્યાના સંબંધમાં અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. અન્વય નાઈકે એમની સુસાઈડ નોટમાં અર્ણબ ગોસ્વામીનું નામ આપ્યું હતું. એમણે એમાં લખ્યું હતું કે અર્ણબે એમની રિપબ્લિકન ટીવી ચેનલના સ્ટુડિયોમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનું કામ કરાવ્યું હતું, પણ એના પૈસા ચૂકવ્યા નહોતા, જે રકમ 5.40 કરોડ રૂપિયામાં થવા જાય છે. અન્વય નાઈક અને એમના માતાના મૃતદેહ અલીબાગ સ્થિત એમના બંગલામાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

તે કેસના સંબંધમાં મુંબઈ પોલીસના અધિકારીઓએ આજે સવારે અહીંના વરલી વિસ્તારસ્થિત અર્ણબ ગોસ્વામીના નિવાસસ્થાને જઈને એમની ધરપકડ કરી હતી. પોલીસે સહકાર આપવાની વિનંતી કરી હતી, પણ ગોસ્વામીએ ઈનકાર કર્યો હતો. પરિણામે પોલીસો ગોસ્વામીને ઢસડીને લઈ ગયા હતા અને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા. એ વખતે ગોસ્વામીના પત્ની ત્યાં હાજર હતા અને એમણે ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો, જે રિપબ્લિક ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

અમિત શાહે નામ દઈને કહ્યું કે કોંગ્રેસ અને એની સહયોગી પાર્ટીઓએ ફરી વાર લોકશાહીને કલંકિત કરી છે.

અમિત શાહ જેવા જ આકરા પ્રત્યાઘાત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ આપ્યા છે.