અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગઃ 9નાં મોત

અમદાવાદઃ અમદાવાદના પિરાણા-પીપળજ રોડ ઉપર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કાપડના એક ગોડાઉનમાં આજે લાગેલી ભીષણ આગમાં નવ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે અને ચાર વ્યક્તિની હાલત ગંભીર છે. આ આગમાંથી નવ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગ પ્રસરતાં બાજુમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનને લીધે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે પણ અત્યાર સુધી નવ લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત આગ લાગવાને કારણે એક દીવાલ ધરાશાયી થઈ હતી, જેથી અંદર કામ કરતા 15 વ્યક્તિઓ દબાઈ ગઈ હતી, જેમાંથી અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તેમ છતાં હજી બે-ત્રણ લોકો ફસાયા છે. જેમને કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15થી વધુ ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

હાલ ફાયરબ્રિગ્રેડના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. આ ગોડાઉનમાં કાપડ હોવાને કારણે આ આગ બહુ જ જલદી પ્રસરી હતી. ફાયરના અધિકારીઓને આશંકા છે કે હજી આ કાટમાળમાં અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ દુર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં આઠ મૃતકો છે અને અન્ય બે ઇજાગ્રસ્ત લોકોની હાલત ઘણી જ ગંભીર છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે. આ સાથે એલ. જી. હોસ્પિટલમાં પણ પરિવારજનોની રોકકળથી આખું વાતાવરણ ગમગીન થયું છે. આ દુર્ઘટનામાં એક 18 વર્ષના યુવાને પગ ગુમાવાનો વારો આવ્યો છે.

108ની ટીમ ઘટનાસ્થળે

આ આગની દુર્ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને સારવાર કરી રહી છે. આ બનાવને પગલે આ વિસ્તારમાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં.