ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલ-કોલેજો ખૂલવાની શક્યતાઃ શિક્ષણપ્રધાનનો સંકેત

અમદાવાદઃ ગુજરાત સરકાર ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્યમાં શાળાઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કોરાના સંક્રમણને લીધે રાજ્યમાં સાત મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ રાજ્ય સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓમાં લાગી છે, જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે, એ જોતાં દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ થાય એવી શક્યતાઓ છે. એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવશે, જોકે ધોરણ1-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવે એવી શક્યતા છે, એવો સંકેત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યો છે.નિયમોનો આધીન શિક્ષણ કાર્ય શરૂ કરાશે

ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં પહેલાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન જેવી બાબતોનું સ્કૂલોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા, એક બેચ પર કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, સ્કૂલોની કેન્ટીન શરૂ કરવી કે બંધ રાખવી, વિદ્યાર્થીઓને ફૂલ-ટાઇમ બોલાવવા કે ફક્ત અમુક કલાકો માટે બોલાવવા, જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવવા માગતા તેમના માટે શું વ્યવસ્થા કરવી, તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવવા અને 50 ટકાને જ બોલાવવા વગેરે બાબતો અંગે આજની બેઠકમાં ચર્ચા બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

બે-ત્રણ દિવસમાં SOP બનાવી દેવામાં આવશે

શિક્ષણપ્રધાન ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં યોગ્ય વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાને આ સંદર્ભે SOP બનાવવા માટે સૂચના આપી હતી. જેથી SOP બે-ત્રણ દિવસમાં બનાવી દેવામાં આવશે.

પહેલી નવેમ્બરથી નવું સત્ર

UGCએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું હતું. આ કેલેન્ડેર મુજબ પહેલી નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે.. કોરોનાને કારણે સ્થિતિ બગડતાં નવા શૈક્ષણિક સત્રની નવી તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષા માટે 1 માર્ચથી લઇને 7 માર્ચ, એટલે કે 7 દિવસનો બ્રેક આપવાનો રહેશે.

27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમિસ્ટર બ્રેક

જ્યારે 8 માર્ચથી 24 માર્ચ સુધી પરીક્ષાઓ લેવામાં આવશે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમિસ્ટર બ્રેક આપવામાં આવશે. 5મી એપ્રિલે ફરી વાર સેમિસ્ટર શરૂ કરવામાં આવશે, જેમાં 1 ઓગસ્ટથી લઈને 8મી ઓગસ્ટ સુધી પરીક્ષા માટે બ્રેક આપવામાં આવશે. 9થી 21 ઓગસ્ટ વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. તારીખ 22થી 29મી ઓગસ્ટ વચ્ચે સેમિસ્ટર બ્રેક આપવામાં આવશે. આમ, UGCએ જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડરમાં વેકેશન પર કાપ મૂકવામાં આવ્યો છે.