નવી દિલ્હીઃ ચોમાસુ સત્રમાં મણિપુર પર જારી સંગ્રામની વચ્ચે ભાજપની સંસદીય દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. વડા પ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘INDIA’ નામ લગાવી લેવાથી કાંઈ નથી થતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ઇન્ડિયા લગાવ્યું હતું અને ઇન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઇન્ડિયા છે.
તેમણે કહ્યું હતું કે વિપક્ષ દિશાહીન અને હતાશ છે. વિપક્ષના વલણથી એવું લાગી છે કે એને લાંબા સમયથી સત્તામાં આવવાની કોઈ ઇચ્છા નથી. તેમણે સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટે દરેક ઘરે ઝંડા લગાવવા માટેના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા નામનો હવાલો આપતાં કહ્યું હતું કે માત્ર દેશના નામનો ઉપયોગથી લોકોને ગુમરાહ ના કરી શકાય.
વિપક્ષના આચરણથી માલૂમ પડે છે કે એણે વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના સમર્થનથી 2024ની ચૂંટણી પછી ભાજપ સત્તામાં વાપસી કરશે અને તેમની સરકારના આગામી કાર્યકાળમાં ભારતીય ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. એમ તેમણે કહ્યું હતું.ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમને અમારા વડા પ્રધાન પર ગર્વ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એક વિદેશી નાગરિકે કરી હતી.