અયોધ્યા વિવાદ: SCમાં પોતાનો પક્ષ રજૂ કરવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તૈયારી

લખનઉ- આગામી 8 ફેબ્રુઆરીથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ અંગે સુનાવણી શરુ થઈ રહી છે. જેમાં પોતાનો પક્ષ રજૂ કરવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કાયદાના નિષ્ણાંતો સાથે મહત્વની બેઠક કરી હતી.AIMPLB ઈચ્છે છે જલ્દી સુનાવણી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રમુખ સદસ્ય અને મુસ્લિમ પક્ષકાર તરફથી વકીલ ઝફરયાબ જિલાનીએ જણાવ્યું કે, AIMPLB જલ્દી સુનાવણીના પક્ષમાં છે. અને એટલા માટે જ કાયદા નિષ્ણાંતો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કરવા કાયદા નિષ્ણાંતો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

ઝફર જિલાનીએ વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે અને બધા જ દસ્તાવેજો અને પુરાવાઓ પર ધ્યાન આપવામાં આવે અને પક્ષકારોની વાત સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી શકાય તેમજ નિર્ણયમાં કોઈ ઉતાવળ કરવામાં ન આવે તેમ અમારું માનવું છે.

પોતાના પક્ષમાં ચુકાદો આવવાની AIMPLBને આશા

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સદસ્ય કમાલ ફારુકીએ કહ્યું કે, ‘સુનાવણી માટે અમારી પુરી તૈયારી છે. અમને આશા છે કે, કોર્ટનો ચુકાદો અમારા પક્ષમાં આવશે. આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ બોર્ડના મહાસચિવ મૌલાના વાલી રહમાની અને સજ્જાદ નોમાની પણ હાજર રહ્યાં હતાં.