અમે ભાજપ સાથેનો સંબંધ નહીં તોડીએઃ તેલુગુ દેસમ પાર્ટી

અમરાવતી (આંધ્ર પ્રદેશ) – તેલુગુ દેસમ પાર્ટીએ આજે જણાવ્યું છે કે તે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સાથેનો સંબંધ તોડશે નહીં.

આ ખાતરી એવી અટકળો વચ્ચે આવી છે કે આંધ્ર પ્રદેશમાં શાસક ટીડીપી કેન્દ્રીય બજેટમાં આંધ્ર પ્રદેશને ભંડોળની કરાયેલી ફાળવણીના મામલે નારાજ છે તેથી ભાજપ સાથેના સંબંધ વિશે ફેરવિચારણા કરશે.

આજે બપોરે અહીં રાજ્યના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે પક્ષના સંસદસભ્યો તથા સિનિયર નેતાઓની બેઠક બાદ પક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાન વાય.એસ. ચૌધરીએ પત્રકારોને કહ્યું હતું કે ટીડીપી ભાજપ-પ્રેરિત એનડીએ સાથેનું જોડાણ તોડશે નહીં.

ચૌધરીએ વધુમાં કહ્યું કે, અમે પહેલાં અમારા રાજ્ય સંબંધિત મુદ્દાઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરીશું અને એમને સમજાવવાની કોશિશ કરીશું. જો અમારી માગણીઓને કેન્દ્ર સરકાર મંજૂર નહીં કરે તો અમે સંસદની અંદર તથા બહાર વિરોધ દર્શાવીશું.

શું ભાજપના પ્રમુખ અમિત શાહે નાયડુ સાથે ફોન પર વાતચીત કરી હતી? એવા સવાલનો જવાબ ચૌધરીએ ‘ના’ આપ્યો હતો.

એવી જ રીતે, ચૌધરીએ કહ્યું કે નાયડુએ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હોવાના અહેવાલો પણ ખોટા છે.

આંધ્ર પ્રદેશમાં શાસક જોડાણમાં ભાજપ અને ટીડીપી ભાગીદાર છે. કેન્દ્રમાં પણ ટીડીપી ભાજપનો ભાગીદાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]