ભાજપના વિરોધ છતાં મલિકને ટિકિટ આપશે અજિત પવાર?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અજિત પવાર  જૂથે ઉમેદવારોની બીજી યાદી જારી કરી દીધી છે. આ યાદીમાં મોટી વાત એ છે કે નવાબ મલિકની ટિકિટ કપાઈ ગઈ છે, જે અણુશક્તિ સીટથી નવાબ વિધાનસભ્ય છે. ત્યાંથી તેમને ટિકિટ આપવામાં નથી આવી.અજિત પવારે નવાબ મલિકની પુત્રી સના મલિકને અણુશક્તિનગરથી ઉમેદવાર બનાવી છે.

ભાજપ અણુશક્તિ નગરથી નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કરી રહી છે. જોકે અજિત પવાર નવાબ મલિકને ટિકિટ આપવા માટે મક્કમ છે. NCP અજિત જૂથ નવાબ મલિકને માનખુર્દના શિવાજીનગર વિધાનસભા સીટથી ટિકિટ આપે એવી શક્યતા છે. હાલ અહીંથી સમાજવાદી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અબુ આઝમી વિધાનસભ્ય છે.

ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિક પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી સંબંધ રાખવાનો આરોપ છે. આ આરોપ ભાજપના નેતા જ લગાવતા રહ્યા છે. અંડરવર્લ્ડના સંબંધો અને મની લોન્ડરિંગના આરોપો બાદ નવાબ મલિક જેલમાં હતા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અજિત પવાર જૂથમાં સામેલ થઈ ગયા છે. અજિત પવારની પાર્ટીમાં સામેલ થયા પછી પણ ભાજપના સતત વિરોધને કારણે નવાબ મલિક આગળ પડતી ભૂમિકા નથી ભજવી શક્યા.

મહારાષ્ટ્રમાં મુખ્ય સ્પર્ધા મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતિ વચ્ચે છે. રાજ્યની 288 બેઠક માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.