કુણાલ કામરા અને એર ઇન્ડિયાઃ કરે કોઇ ને ભોગવે કોઇક!!

નવી દિલ્હીઃ વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છ? પણ નામમાં જ ઘણુંબધું છે. ઘણી વખત એકસરખા નામને કારણે અસમંજતા ઊભી થતી છે. જેથી ક્યારેક કરે કોઈ અને ભરે કોઈ એવું થાય છે. કંઈક એવું જ કુણાલ કામરાની સાથે થયું. એર ઇન્ડિયાએ ભૂલથી ત્રીજી ફેબ્રુઆરીએ હાસ્ય કલાકાર કુણાલ કામરાને બદલે એક અન્ય કુણાલ કામરાની જયપુરથી મુંબઈની ટિકિટ રદ કરી દીધી હતી. આ વ્યક્તિ અમેરિકાના બોસ્ટન શહેરની રહેવાસી હતી એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

હાસ્ય કલાકાર કુણાલ કામરાએ 28 જાન્યુઆરીએ મુંબઈથી લખનૌ જનારી ફ્લાઇટમાં રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામીને પરેશાન કર્યા હતા. ત્યાર પછી ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીની સલાહ મુજબ ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત ચાર ઉડ્ડયન કંપનીઓએ પોતાની ફ્લાઇટોમાં કુણાલના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇન્ડિગોએ તેમના પર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે અન્ય કંપનીઓએ આ પ્રતિબંધની મર્યાદા નહોતી જણાવી.જોકે અધિકારીઓએ કહ્યું હતું કે જ્યારે કર્મચારીઓને માલૂમ પડ્યું કે તે પ્રવાસી હાસ્ય કલાકાર કુણાલ કામરા નથી ત્યારે તેમણે તેમની ભૂલ સુધારીને તેમને બીજી વાર ટિકિટ આપીને ફ્લાઇટમાં જવા દીધા હતા. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાસ્ય કલાકાર કુણાલ કામરા પર પ્રતિબંધ લાગેલો છે. આ બાબત સિસ્ટમમાં નોંધાયેલી છે, જેને કારણે તેમનું નામ (અન્ય કુણાલ કામરાનું) ઓટોમેટિક રદ થઈ ગયુ હતું, પણ બાદમાં માલૂમ પડતાં તેમને વિમાનમાં પ્રવાસ કરવા દેવામાં આવ્યો હતો.

 

શું છે કુણાલ કામરા-અર્ણબ ગોસ્વામી વિવાદ?

મશહૂર સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા તેમની તીખી પ્રતિક્રિયા માટે સોશિયલ મિડિયા પર જાણીતા છે. તેઓ તેમના શોઝમાં કોઈ પણ પત્રકાર અને રાજકારણી પર તીખા હુમલા કરે છે. તેઓ ટ્વિટર પર રિપબ્લિક ટીવીના સ્ટાર એન્કર પત્રકાર અર્ણબ ગોસ્વામીને હંમેશાં ઘેરતા રહે છે, પણ હાલમાં કુણાલ અને અર્ણબ એકસાથે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. કુણાલે આ ઘટનાનો વિડિયો ટ્વીટર પર શેર કર્યો. કુણાલે અર્ણબ સાથે વિનમ્રતાથી વાત કરવા જણાવ્યું, પણ અર્ણબે વ્યસ્ત હોવાનું નાટક કર્યું. કુણાલે અર્ણબને અનેક પ્રશ્નો કર્યા, પણ અર્ણબે તેના કોઇ પણ સવાલો જવાબ ના આપ્યો. અર્ણબે એક પણ સવાલનો જવાબ ના આપતાં હાસ્ય કાલાકાર કુણાલ પાછો સીટ પર આવી બેસી ગયો. કુણાલે વ્યક્તિગતરૂપે બધા ક્રૂ સભ્યોની માફી માગી, સિવાય એકને છોડીને. કુણાલે આ ઘટના બાદ એક ટ્વીટ કરીને લખ્યું કે તારો માસ્ક ઊતરી ગયો અર્ણબ.

 કુણાલ કામરાએ માનસિક યાતના બદલ વળતર માગ્યું

શનિવારે કુણાલ કામરાએ ઇન્ડિગો એરલાઇનને કૂનૂની નોટિસ મોકલીને બિનશરતી માફી માગવા અને પ્રતિબંધ દૂર કરવા અને રૂ. 25 લાખ વળતરની માગ કરી હતી. કામરાના વકીલે એરલાઇનને મનમાની નિર્ણયથી તેમના અસીલને માનસિક પીડા અને આઘાત લાગ્યો હોવા બદલ શુક્રવારે નોટિસ મોકલી હતી.પાછલા સપ્તાહે ઇન્ડિગોની મુંબઈ-લખનૌ ફ્લાઇટમાં રિપબ્લિક ટીવીના તંત્રીને પરેશાન કરવા બદલ હાસ્ય કલાકાર કુણાલ કામરાને છ મહિના માટે તેમની ફ્લાઇટોમાં પ્રવાસ કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિગોએ પણ નિવેદનમાં કહ્યું છે કે કંપની આ મામલે મળનારી કાનૂની નોટિસનો યોગ્ય જવાબ આપશે. કામરાએ ઇન્ડિગોને નોટિસનો જવાબ આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે.