નવી દિલ્હીઃ આગ્રા એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા પછી CISFએ મોરચો સંભાળ્યો છે અને શાહગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. CISF આગ્રા એરપોર્ટ યુનિટના સત્તાવાર મેલ ID પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે. પોલીસે સાઇબર સેલ મેલ મોકલવાવાળાની શોધખોળમાં લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહ મંત્રાલયને ઈમેલની માહિતી આપ્યા બાદ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના સબ ઈન્સ્પેક્ટર અનુપ કુમારે બુધવારે મોડી રાત્રે શાહગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.
ઈન્સ્પેક્ટર અનુપ કુમારે ધમકી અને આઈટી એક્ટની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. સાયબર સેલની ટીમ મેલ મોકલનાર વિશે માહિતી મેળવી રહી છે. આ પહેલાં પણ આગ્રામાં રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે.હાલ દેશના વિવિધ ભાગોમાં અનેક વિમાનોને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી ચૂકી છે. ફરી એક વાર એકસાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જે વિમાનોને આ ધમકીઓ મળી છે તેમાં એર ઈન્ડિયાના 20, વિસ્તારાના 20, ઈન્ડિગોના 25 અને આકાસાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. વિમાનોને ધમકીનો આ પહેલો કિસ્સો નથી. થોડા દિવસો પહેલાં પણ એક પછી એક અનેક વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે 285 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. જોકે સારી વાત એ છે કે કોઈ પણ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ આ ધમકીઓને કારણે એરલાઇન કંપનીઓને ભારે નુકસાન થયું છે.