અગ્નિપથ યોજનાઃ દિલ્હીથી માંડીને તેલંગાણા સુધી ઠેર-ઠેર વિરોધ

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાની સામે દેશના વિવિધ ભાગોમાં સતત ચોથા દિવસે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બિહારમાં તો વિદ્યાર્થી સંગઠનોએ અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર બંધનું આહવાન કર્યું છે. જોનપુરથી માંડીને બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ આગચંપી અને તોડફોડ કરી હતી. તેમણે ટ્રકો અને બસોમાં આગ લગાવી હતી. દાનાપુર રેલવે ડિવિઝનના DRM પ્રભાતકુમારે જણાવ્યું હતું કે દેખાવકારોને લીધે રેલવેને રૂ. 200 કરોડનું નુકસાન થયું છે. બીજી બાજુ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અગ્નિપથ યોજના યુવકો માટે યોગ્ય નથી.

અગ્નિપથની સામે વધતા જતા વિરોધને ધ્યાનમાં રાખતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સેના પ્રમુખોની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ મંત્રાલયે ટ્વિટર હેન્ડલથી કહ્યું હતું કે CAPFs અને આસામ રાઇફલ્સમાં થનારી ભરતીઓમાં અગ્નિવીરો માટે 10 ટકા આરક્ષણ આપવામાં આવશે.

એ સાથે મહત્તમ પ્રવેશ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અગ્નિપથ યોજનાની પહેલી બેચ માટે એ છૂટ પાંચ વર્ષની હશે.

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અગ્નિપથ યોજનાની સામે હિંસક વિરોધ પ્રદર્શનોની તપાસ કરવા અને રેલવે સહિત જાહેર સંપત્તિને થયેલા નુકસાન વિશે એક વિશેષ તપાસ પંચ (SIT)ની રચના કરવાના નિર્દેશની માગ કરવામાં આવી છે. આ સાથે અરજીમાં આ યોજના હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા અને સેના પર એના પ્રભાવની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક નિષ્ણાત કમિટીની રચનાની માગ કરવામાં આવી છે.