PM મોદીએ ધ્વજારોહણ કર્યું: રૂ. 21,000 કરોડનાં કામોનું લોકાર્પણ

વડોદરાઃ હીરાબાના આશીર્વાદ લીધા પછી વડા પ્રધાન મોદી પાવાગઢના મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે પાવાગઢમાં કહ્યું હતું કે વર્ષો પછી પાવાગઢ મહાકાળીનાં ચરણોમાં આવીને અમુક સમય વિતાવવાની તક મળી છે. આ પળ અમને પ્રેરણા આપે છે, ઊર્જા આપે છે અને મહાન પરંપરા પ્રમાણે જીવવા માટે પ્રેરિત કરે છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે હું મહાકાળીના ચરણોમાં ફરી એક વાર નમન કરું છું, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવું છું. આજે તેમના પૂર્વજોનાં સપનાં પૂર્ણ થયાં છે.

વડા પ્રધાન અહીં રૂા. 21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણીપુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત કરશે.  પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન ગુજરાત ગૌરવ અભિયાન દરમ્યાન રૂ. 16,000 કરોડથી વધુના કેટલાય રેલવે પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 357 કિલોમીટર લાંબા ન્યુ પાલનપુર-મદાર સેક્શનને દેશને સમર્પિત કરવામાં આવશે.

આ સિવાય તેઓ 81 કિમી લાંબા પાલનપુર-મીઠા ખંડના ઇલેક્ટ્રિફિકેશન સિવાય સોમનાથ, સુરત, ઉધના અને સાબરમતી સ્ટેશનોનાં પુનર્વિકાસ કાર્યો અને 166 કિલોમીટર લાંબા અમદાવાદ-બોટાદ ખંડના ગેજ ટ્રાન્સફરની આધારશિલા મૂકશે.  રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડા પ્રધાન કુલ 1.38 લાખ ઘર ગરીબોને સમર્પિત કરશે, જેમાં રૂ.1800 કરોડના ઘર શહેરી ક્ષેત્રોમાં અને રૂ. 1530 કરોડથી વધુનાં ઘર ગ્રામીણ ક્ષેત્રોમાં સામેલ છે.

વડા પ્રધાન પ્રતિ વર્ષ 2500થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાના હેતુથી વડોદરાથી આશરે 20 કિમી દૂર ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીની આધારશિલા મૂકશે, જેના બાંધકામનો ખર્ચ આશરે રૂ. 425 કરોડ આવશે.