ડબલ એન્જિનની સરકારે મહિલાઓને સશક્ત બનાવીઃ PM મોદી

વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા પછી રોડ-શો કર્યો હતો. ત્યાર બાદ તેમણે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો છે.  તેમણે કહ્યું હતું કે સવારે જન્મદાત્રી માના આશીર્વાદ લીધા આ પછી જગતજનની મા કાલીના આશીર્વાદ લીધા અને હાલ માતૃશક્તિના વિરાટ રૂપનાં દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં અભૂતપૂર્વ કામ થયું છે. ગુજરાત એ રાજ્યોમાં છે, જ્યાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા આરક્ષણ મહિલાઓ માટે છે. ગ્રામીણ બહેનોને આર્થિક રૂપે સશક્ત કરવા માટે ગુજરાતમાં અમે જ્યારે સ્વર્ણ જયંતી ઊજવી રહ્યા હતા, ત્યારે અમે મિશન મંગલમ શરૂ કર્યું હતું.

રાજ્યમાં શહેરી ગરીબો અને મધ્યમ વર્ગનાં ઘરોના નિર્માણ પર અભૂતપૂર્વ કામ થયું છે. શહેરી ગરીબ પરિવારોને આશરે 7.50 લાખ ઘર મળી ચૂક્યાં છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં હવે સપ્ટેમ્બર પોષણ માસ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશથી રાજ્યની બહેનોને બહુ મદદ મળી છે. મહિલાઓની વહીવટી ક્ષમતાને જોતાં ગામથી જોડાયેલાં પ્રોજેક્ટ્સમાં બહેનોને નેતૃત્વની ભૂમિકા આપવામાં આવી છે.

વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારું શહેર છે. વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેરમાં આવતા તમામ લોકોને વડોદરા સંભાળે છે. સુખ-દુઃખમાં સાથ આપે છે અને આગળ વધવાની તકો પણ આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારુ પણ લાલન-પાલન કર્યું હતું. આ નગર પ્રેરણાનું નગર છે, એમ તેમણે કહ્યું હતું.