નવી દિલ્હીઃ EDની ધરપકડ પછી CM અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે એ મુખ્ય અરજી પર EDને નોટિસ જારી કરે એવી શક્યતા છે, પણ કેજરીવાલ જોકોઈ વચગાળાની રાહત માગી રહ્યા છે તો એના પર તેઓ વિચાર કરે એવી શક્યતા છે. જોકે ED પછી CBI કેજરીવાલની કસ્ટડી માગે એવી શક્યતા છે.
ED તરફથી એસવી રાજુએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમે એના પર જવાબ આપવા માગીએ છીએ, જેના માટે અમારે થોડો સમય જોઈએ છે. આ મામલાની સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સુનાવણી કરી રહી છે. એ દરમ્યાન અરજીની કોપી તેમને ગઈ કાલે જ મળી છે. એટલે જવાબ આપવા માટે તેમને ત્રણ સપ્તાહનો સમય જોઈએ છે. કેજરીવાલના વકીલ સિંધવીએ કહ્યું હતું કે કેટલીક મહત્ત્વની વાતો છે, જે અમે કોર્ટ સમક્ષ મૂકવા ઇચ્છીએ છીએ. એને સાંભળ્યા પછી કોર્ટ પોતાનો નિર્ણય લઈ શકે છે. ધરપકડના જે આધાર મૂકવામાં આવ્યા છે, એ કંઈક ઔર નહીં, પણ ધ્યાન ભટકાવનારાં છે.
બીજી બાજુ, દિલ્હી વિધાનસભામાં ભારે હંગામો થઈ રહ્યો છે અને આપના વિધાનસભ્યોએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે પણ પત્રકાર પરિષદ યોજી હતી. દિલ્હીના લોકો માટે કેજરીવાલ ચિંતિત છે. કેજરીવાલનું સુગર લેવલ હાઇ છે. હજી સુધી EDને એક પણ પૈસો રોકડ નથી મળ્યો. તો પછી લિકર કેસમાં બધા પૈસા ક્યાં છે. દિલ્હીની સમસ્યાઓથી કેજરીવાલને પીડા થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.