શા માટે કોંગ્રેસ નેતા નહીં જોડાય ટ્રમ્પ માટે આયોજીત ભોજન સમારંભમાં?

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સરકાના વલણને લઈને નારાજ છે. ચૌધરી મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આયોજીત કરવામાં આવી રહેલા સત્તાવાર ભોજન સમારંભમાં સામેલ નહીં થાય. ચૌધરીએ કહ્યું કે, મોદી સરકારે અમેરિકન રાષ્ટ્રપતિની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટીઓને વિચાર-વિમર્શ કરવા મંજૂરી આપવાની જૂની પરંપરાને ખત્મ કરી દીધી છે. સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ નિમંત્રણ નથી આપ્યું. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગુલામનબી આઝાદ પણ આ ભોજન સમારંભમાં સામેલ નહીં થાય.

અધીર રંજન ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, તે 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત ભોજન સમારંભમાં સામેલ નહીં થાય. આ મારી વિરોધ કરવાની રીત છે.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકાર દ્વારા આ રીતે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મહત્વપૂર્ણ વિદેશી મહેમાનોના પ્રવાસ દરમ્યાન નજરઅંદાજ કરવા અને જૂની પરંપરામાં ફેરફાર કરવો સારી બાબત નથી. અગાઉ સરકારોમાં અમે સુનિશ્ચિત કર્યું હતું કે, તત્કાલિક અમેરિકન રાષ્ટ્રપતિ જોર્જ બુશ કે બરાક ઓબામા સહિત ભારત આવનાર તમામ ગણમાન્ય લોકો સાથે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓને મળી શકશે.