દિવ્યાંગોને નોકરી માટે તાલીમ આપવા માઇક્રોસોફ્ટની પહેલ

નવી દિલ્હીઃ આઇટી અગ્રણી કંપની માઇક્રોસોફ્ટ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે મળીને દિવ્યાંગોને પ્રશિક્ષિણ પૂરું પાડશે, જેથી તેઓ બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રમાં નોકરીઓ મેળવી શકે, એમ SBIના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતું. આ સમજૂતી કરાર હેઠળ પ્રથમ વર્ષમાં 500થી વધુ દિવ્યાંગોને પ્રશિક્ષિણ આપવામાં આવશે.  

કુમારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે આ આદર્શ ભાગીદારી છે અને વિશેષ ક્ષમતાવાળી વ્યક્તિઓની ઓળખ કરવાની દિશામાં આ એક નવી પહેલ છે. વળી, દિવ્યાંગોની સાથે અમારો અનુભવ ઘણો સારો રહ્યો છે. માઇક્રોસોફ્ટના વૈશ્વિક વેચાણના અધ્યક્ષ ફિલિપ કોરટોઇસે કહ્યું હતું કે દેશમાં 2.6 કરોડ દિવ્યાંગો છે. 21મી સદીમાં અર્થતંત્રમાં તેમના યોગદાન માટે આપણે નવા વિકલ્પો અપનાવવા પડશે.

કંપનીના નિવેદન મુજબ SBI ફાઉન્ડેશન અને માઇક્રોસોફ્ટ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઈ-માર્કેટ પ્લેસ સ્થાપિત કરશે, જ્યાં બેન્કિંગ, નાણાકીય અને વીમા ક્ષેત્રથી સંકળાયેલી કંપનીઓ સરળતાથી દિવ્યાંગોની સાથે સરળતાથી જોડાઈ શકશે અને તેમની આવડતનો લાભ લઈ શકશે. આ ઉપરાંત બંને કંપનીઓ તેમના માટે રોજગારીની તકો પણ ઊભી કરી શકશે.