SCના ચુકાદા પછી અદાણીએ કહ્યું, ‘સત્યમેવ જયતે’

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીઓની વિરુદ્ધ આવેલા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને આશરે એક વર્ષ થઈ ગયું છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ કંપનીઓની વિરુદ્ધ છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા. એની તપાસની માગ કરનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

અદાણી હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સેબીની તપાસમાં કોર્ટ દખલ નહીં કરે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો.

શું છે ચુકાદો?

કોર્ટે કહ્યું હતું કે આ મામલે તપાસને સ્થાનાંતરિત કરવાનો કોઈ આધાર નથી અને એને માત્ર ત્યારે ઉઠાવી શકાય છે, જ્યારે જાણીબૂજીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય. ભારત સરકાર અને સેબી ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે સમિતિની ભલામણો પર વિચાર કરશે. ભારત અને સરકાર અને સેબી એના પર વિચાર કરશે કે શું શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે અને જો એવું છે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવે.

ગૌતમ અદાણી કહ્યું, સત્યની થઈ જીત

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૌતમ અદાણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી માલૂમ પડે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું એ લોકોનો આભારી છું, જે અમારી સાથે ઊભા છે. ભારતની વિકાસ ગાથામાં અમારું યોગદાન જારી રહેશે.

સેબીએ 24માંથી 22 કેસોમાં તપાસ કરી છે. કોર્ટે કહ્યું હતું કે સેબીની તપાસ ઉચિત છે. કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં દખલ દેવાથી ઇનકાર કર્યો હતો.