વિધાનસભાઓની ચૂંટણી પૂર્વે એક્ટર રાજકુમાર રાવ નિમાયો ચૂંટણી પંચનો ‘રાષ્ટ્રીય આઈકન’

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવને ટૂંક સમયમાં જ ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઈકન તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે. વિધિવત્ જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે તે પૂર્વે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એક નોટિફિકેશ દ્વારા જણાવ્યું છે કે ગુરુવારે એક ઔપચારિક કાર્યક્રમનું આયોજન કવરામાં આવશે અને એમાં રાજકુમારને ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઈકન તરીકે ઘોષિત કરવામાં આવશે. નાગરિકોને એમનો મતાધિકાર હાંસલ કરવા અને ચૂંટણી દરમિયાન એમના આદર્શ ઉમેદવારને ચૂંટવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે ચૂંટણી પંચે રાજકુમાર રાવને નિયુક્ત કર્યો છે.

નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં, મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે.

રાજકુમાર નવી અનેક ફિલ્મોમાં અભિનય કરી રહ્યો છે. એની નવી ફિલ્મ આવી રહી છે ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’. એમાં તેની હિરોઈન છે જ્હાન્વી કપૂર. ફિલ્મમાં બંને જણ ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યાં છે. રાજકુમાર આ ઉપરાંત ઉદ્યોગપતિ શ્રીકાંત બોલ્લાના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ‘શ્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. એમાં અલાયા એફ, જ્યોતિકા અને શરદ કેળકર છે.