ભાજપને આંચકોઃ ફરી કોંગ્રેસનો હાથ ઝાલ્યો અશોક તંવરે

નવી દિલ્હીઃ હરિયાણાના રાજકારણમાં મતદાનથી ઠીક પહેલાં એક મોટા રાજકીય ઘટનાક્રમમાં ભૂતપૂર્વ સાંસદ અશોક તંવરે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું છે. રાજ્યમાં અશોક તંવર કોંગ્રેસમાં મોટું નામ હતું, પણ વર્ષ 2019માં તેમણે પાર્ટીને અલવિદા કરી દીધું હતું.

હરિયાણા ચૂંટણી પહેલાં જ ભાજપના નેતા અશોક તંવર એક વાર ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ પાલાબદલુ છે. તેઓ TMCP અને આમ આદમી પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે. તેમણે લોકસભા ચૂંટણીમાં સિરસાથી કુમારી શૈલજાને પડકાર આપ્યો હતો પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. અશોક તંવર વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી નહીં. આ વાતથી અશોક તંવર નારાજ હતા. પાર્ટીના ઘણા મોટા નેતાઓને મળીને તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ટિકિટ આપવામાં આવે, પરંતુ એવું થઈ શક્યું નહીં.અશોક તંવર હરિયાણામાં મોટો દલિત ચહેરો છે. ભાજપ અશોક તંવર દ્વારા કોંગ્રેસ પર ‘દલિત વિરોધી’ હોવાનો આરોપ પણ લગાવતી રહી. પરંતુ હવે કોંગ્રેસે ફરીથી તેમને પાર્ટીમાં સામેલ કરીને ભાજપને મોટો આંચકો આપ્યો છે.

દલિત મતદારોને કોંગ્રેસનો સંદેશ?

લોકસભા ચૂંટણીમાં કુમારી સૈલજાએ અશોક તંવરને 2,38,497 મતથી હરાવ્યા હતા. એપ્રિલ 2022માં કોંગ્રેસ છોડીને તેઓ AAPમાં જોડાયા હતા. જાન્યુઆરી 2024માં AAP છોડીને ભાજપમાં જોડાયા. કોંગ્રેસે હવે એક તીરથી ઘણાં નિશાન સાધ્યાં છે. ભાજપની નજર વિધાનસભા ચૂંટણીમાં દલિત મતદારો પર હતી. તંવરને પાર્ટીમાં સામેલ કરાવીને કોંગ્રેસે દલિતોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

બીજી બાજુ રાહુલ ગાંધીએ ભલે દિગ્ગજ નેતા કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને એક મંચ પર લાવી એકબીજા સાથે હાથ મિલાવી પેચઅપ કરાવ્યું હોય, પરંતુ બંનેના સંબંધ એટલા સહજ નથી.