નવી દિલ્હીઃ મોંઘવારી ફરી વધવાનો અંદેશો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિલોમાં ફ્લોર (લોટ)ના સ્ટોકની તપાસ કરી રહ્યું છે, કેમ કે ફ્લોરની કિંમતો કાબૂમાં રાખી શકાય. એક મહિનામાં ઘઉંની કિંમતોમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો છે. બીજી બાજુ સુગરના ઉત્પાદનમાં 14 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ તહેવારોમાં લોટ અને સુગરની કિંમતો ઓર વધવાની ધારણા છે.
FCI ઘરેલુ કિંમતોને ઓછી રાખવા માટે ખુલ્લા બજાર વેચાણની યોજના (OMSS) હેઠળ ફ્લોર મિલો અને અન્ય જથ્થાબંધ ઉપભોક્તાઓને ઘઉં વેચે છે. જૂનમાં આ યોજના હેઠળ FCIએ 15 લાખ ટન ઘઉં વેચવાની દરખાસ્ત મૂકી હતી. જોકે ઓગસ્ટમાં ઘઉંની કિંમતોમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તહેવારોમાં માસિક ઘઉંની માગ 50-100 ટકા વધવાની અપેક્ષા છે. હવે જો પર્યાપ્ત સ્ટોક નહીં રહે તો ફ્લોરની કિંમત વધવાની દહેશત છે.
પાછલા એક મહિનામાં ઘઉંની કિંમતોમાં આશરે 10 ટકા અને છેલ્લા એક સપ્તાહમાં આશરે ત્રણ ટકાનો વધારો થયો છે. દિલ્હીમાં ખાનગી વેપારમાં FCIની કિંમતોથી 13 ટકાથી 15 ટકા ઘઉંની કિંમતો વધુ છે. આવામાં FCI મિલોમાં હાજર સ્ટોકની સમીક્ષા કરી છે.
બીજી બાજુ, ઓગસ્ટ 2023માં મહારાષ્ટ્ર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં અપેક્ષા કરતા ઘણો ઓછો વરસાદ થયો છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર શેરડીના ઉત્પાદન પર પડી શકે છે. ઉત્પાદન ઘટવાને કારણે સામાન્ય લોકોને મોંઘવારીના આંચકાનો સામનો કરવો પડી શકે છે. આમ તહેવારો ટાંકણે ઘઉં અને સુગરની કિંમતો વધવાની સંભાવના છે.