તહેવારોમાં સેલની વચ્ચે શોપિંગમાં છેતરપિંડીનો નવો નુસખો, જાણો…

નવી દિલ્હીઃ આ તહેવારોની સીઝનમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર લોકો શોપિંગ કરી રહ્યા છે, જોકે આનો લાભ સ્કૈમર્સ ઉઠાવી રહ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટને નામે ગ્રાહકોને આ સ્કેમર્સ ચૂનો ચોપડી રહ્યા છે. ઘર પર એવાં પાર્સલ પહોંચી રહ્યાં છે, જે ગ્રાહકોએ ક્યારેય ઓર્ડર જ ના કર્યાં હોય.

ખાસ વાત એ છે કે આ બધાં પાર્સલ ઓન ડિલિવરી પહોંચી રહ્યાં છે, જ્યારે આ ડિલિવરી બોય લોકોનાં ઘરે પહોંચે છે, ત્યારે કહે છે, કોઈ બીજાએ તમારા માટે કંઈ ઓર્ડર કર્યો છે, પણ પૈસા તમારે ચૂકવવાના છે, કેમ કે કેશ ઓન ડિલિવરીવાળો ઓર્ડર છે. હવે જેતે ગ્રાહક ડિલિવરીવાળાને પૈસા આપે છે અને છેતરપિંડીનો શિકાર બને છે.

જ્યારે એ પાર્સલ ખોલવામાં આવે છે, ત્યારે એમાં કોઈ બહુ સસ્તી ચીજવસ્તુ મળે છે. જ્યારે ગ્રાહકે એની કિંમત વધુપડતી ચૂકવી દીધી હોય છે. કેટલીય વાર એ પાર્સલમાંથી માટી કે નાના પથ્થર પણ નીકળે છે. તાજો કેસ નોએડાના સેક્ટર 82 સ્થિત ઉદ્યોગ વિહાર સોસાયટીનો છે. આ સોસાયટીના એક ફ્લેટમાં 30 સપ્ટેમ્બરે આશરે ત્રણ વાગ્યે એક ડિલિવરી પહોંચી હતી.

એ મહિલાને કહેવામાં આવ્યું હતું કે એમેઝોનથી પાર્સલ આવ્યું છે. પાર્સલ પર ફ્લેટ માલિકનું નામ લખ્યું હતું. ડિલિવરી બોયે જણાવ્યું હતું કે એ પાર્સલ કેશ ઓન ડિલિવરી છે. એ મહિલે એની કિંમત ચૂકવી દીધી હતી, જ્યારે એ પાર્સલ ખોલવામાં આવ્યું, ત્યારે એમાંથી રૂ. 50-100ની ચીજવસ્તુ નીકળી હતી, જ્યારે એ મહિલાએ એની કિંમત રૂ. 699 ચૂકવી હતી. પીડિત પરિવારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર રિપોર્ટ નોંધાવ્યો હતો.