મહારાણીના નિધન પર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

નવી દિલ્હીઃ મહારાણી એલિઝાબેથના નિધન પર બ્રિટનમાં શોકની લહેર છે. બ્રિટનમાં આજથી 10-12 દિવસો સુધી રાજકીય શોક મનાવવામાં આવશે. ભારતમાં પણ એક દિવસના રાજકીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનના મહારાણી એલિઝાબેથ IIના નિધન પર ભારતમાં 11 સપ્ટેમ્બરે એક દિવસના રાજકીય શોક રહેશે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

 બ્રિટનમાં કિંગ ચાર્લ્સ બ્રિટનને પહેલી વાર સંબોધન કરશે. તેમનું સંબોધન મહારાણી એલિઝાબેથ IIના નિધન પર આધારિત રહેશે. બ્રિટનમાં સૌથી લાંબો સમય સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ II બાલ્મોરલ મહલના પ્રાંગણમાં લોકોએ શ્રદ્ધાંજલિ આપતાં ફૂલોના બુકે મૂક્યા છે.

મહારાણીના નિધન પર સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મહારાણી જ્ઞાન, પ્રેમ અને શાંતિનું એક ઉદાહરણ હતાં. વિશ્વ આજે તેમનાં મહાન કાર્યોને યાદ કરી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ મહારાણીના નિધન પર ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે યુકેના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓ મહારાણીના નામ સાથે જોડાયેલી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બ્રિટિશ એમ્બેસી જઈને મહારાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ક્હ્યું હતું કે મહારાણીના નિધન પર યુકેના લોકો માટે દુઃખ વ્યક્ત કરું છું તેઓ ભારતના એક સાચા મિત્ર હતાં. વડા પ્રધાન મોદીને જ્યારે તેઓ મળ્યાં, ત્યારે તેમણે તેમની ભાવનાને વ્યક્ત કરી હતી.

જોકે મહારાણીના નિધન પર બ્રાઝિલે અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી હતી. એના માટે બ્રાઝિલની ક્રાઇસ્ટ ધ રિડીમરની વિશાળ મૂર્તિ પર યુકેના ધ્વજના રંગને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એમાં લાલ, બ્લુ અને સફેદ રંગોની લાઇટ લગાડવામાં આવી હતી. આ પહેલાં પેરિસના એફિલ ટાવરની લાઇટોને બંધ કરવામાં આવી હતી.