મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાના વિશેષ સત્રથી ઠીક પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. હવે આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને એના પર ચર્ચા થશે.
મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગ પાટિલની આગેવાનીમાં રાજ્યના મરાઠા સમાજના લોકો કેટલીય વાર આંદોલન કરી ચૂક્યા છે. હાલના દિવસોમાં મનોજ જરાંગ જાલનામાં 10 ફેબ્રુઆરીએ ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓ સરકારની વાત માનીને કેટલીય વાર ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે. જોકે આ વખતે તેમણે કહ્યું છે કે આ વખતે તેઓ ધરાર પોતાની વાત મનાવ્યા વગર પાછળ નહીં હટે.મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણય પછી ફરી એક વાર 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે. આ પહેલાં વર્ષ 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકાર સામાજિક અને આર્થિક પછાતો માટે અનામતનો કાયદો લાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે એક દાયકામાં ત્રીજી વાર બિલ લાવવામાં આવી રહ્યું છે.
મનોજ જરાંગેની ભૂખ હડતાળને પગલે મહારાષ્ટ્ર સરકાર દબાણમાં છે અને એને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું પડયું છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજના એક હિસ્સાને કુનબી સર્ટિફિકેટ આપવાનું એલાન કર્યું હતું. જોકે મનોજ જરાંગે માગ કરી હતી કે એ સર્ટિફિકેટ કોઈ ખાસ વર્ગને બદલે મરાઠા સમાજને આપવામાં આવે. જોકે આ મરાઠા અનામતને લઈને NCP નેતા છગન ભુજબળ ભારે વિરોધ પણ કરી રહ્યા છે.