સરકારના આદેશને પગલે ISP કંપનીઓ 827 પોર્ન વેબસાઈટ્સ બ્લોક કરી દીધી

મુંબઈ – પોર્નોગ્રાફીના દૂષણ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ 827 વેબસાઈટ બ્લોક કરી દે જે પોર્નોગ્રાફિક સામગ્રી દર્શાવે છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને પગલે સરકારે આઈએસપી કંપનીઓને આદેશ આપ્યો છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટે 857 વેબસાઈટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, પણ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને 30 પોર્ટલ્સ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ દર્શાવતી ન હોવાનું માલૂમ પડ્યું છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) નોટિસ મોકલ્યા બાદ 827 પોર્ન વેબસાઈટ્સને તાત્કાલિક રીતે બ્લોક કરી દેવાનું ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને જણાવાયું હતું, જેનો આ કંપનીઓએ અમલ કરી દીધો છે.

જિયો, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલ કંપનીઓએ સરકારે જાહેર કરેલી પોર્ન વેબસાઈટ્સને બ્લોક કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા અને ભારતના અગ્રગણ્ય માનવાધિકાર ચળવળકાર કૈલાશ સત્યાર્થીએ ઓનલાઈન પોર્નોગ્રાફી પર તવાઈ લાવવા માટે કડક કાયદો ઘડવાનો સરકારને અનુરોધ કર્યો છે.

ઓનલાઈન પોર્નોગ્રાફીના ગંભીર માઠાં પરિણામોની રજૂઆત કરતી વખતે સત્યાર્થીએ એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 12 વર્ષના એક છોકરાએ એના મિત્રો સાથે મળીને રાતના સમયે એક પોર્ન ફિલ્મ જોઈ હતી અને પછી પોતાની જ બહેન પર ગેંગરેપ કર્યો હતો.

સત્યાર્થીએ કહ્યું છે કે ઓનલાઈન પોર્નોગ્રાફિક ફિલ્મોનો ધંધો સતત વધી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]