દુનિયાના અબજોપતિઓની સંપત્તિમાં જબ્બર વધારો નોંધાયો છે

લંડન – દુનિયાના અબજોપતિઓએ ઈતિહાસમાં બીજા કોઈ પણ વર્ષ કરતાં 2017માં વધારે કમાણી કરી હતી.

પૃથ્વી પરના સૌથી ધનવાન લોકોની સંપત્તિ વધીને 8.9 ટ્રિલિયન ડોલરના આંકે પહોંચી છે. વિશ્વના અબજોપતિઓ વર્ષ 2017માં 20 ટકા વધુ ધનવાન બન્યા હતા. આ જાણકારી સ્વિસ બેન્ક UBS દ્વારા આપવામાં આવી છે.

વિશ્વમાં રોથચિલ્ડ્સ, રોકફેલર્સ, વોન્ડરબિલ્ટ્સ જેવા ધનકુબેર પરિવારો ભરપૂર સંપત્તિ પર અંકુશ ધરાવે છે.

UBSના ‘2018ના અબજોપતિઓ’ અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા 30 વર્ષોમાં ધરતી પર સંપત્તિ નિર્માણમાં અનેકગણો વધારો નોંધાયો છે. અમેરિકા અને યુરોપમાં બિઝનેસ, બેન્કિંગ, રાજકારણ, સખાવત તથા આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં નવી પેઢીના પરિવારોની વગ ખૂબ વધી છે.

વિશ્વના 2,158 અબજોપતિઓની સંપત્તિ વર્ષ 2017માં 1.4 ટ્રિલિયન ડોલર જેટલી વધી હતી. આ આંકડો સ્પેન કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોના જીડીપી કરતાંય વધારે છે.

પહેલેથી જ ધનવાન રહેલા આ લોકોને શેરબજારોની તેજીએ વધારે સંપત્તિવાન બનાવ્યા છે.

ગયા વર્ષે નવા 179 અબજોપતિ નોંધાયા હતા. આમાંના 40 જણને સંપત્તિ વારસામાં મળી છે. એવા ઘણા અબજોપતિઓ છે જેમની વય 70 વર્ષની થઈ છે તેથી એવું મનાય છે કે આગામી 20 વર્ષમાં વધુ 3.4 ટ્રિલિયન ડોલરની સંપત્તિના નવા માલિક બનશે.

મૃતક અબજોપતિઓ તરફથી અઢળક સંપત્તિ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા દર વર્ષે 17 ટકા જેટલી વધે છે. 2017માં તે વધીને 117 અબજ ડોલર થઈ હતી. એકલા 2017ના વર્ષમાં જ 44 વારસદારોને પ્રત્યેકને 1 અબજ ડોલરથી વધુની સંપત્તિ વારસામાં મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]