જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો, 10 લોકો ગંભીર રીતે ઘાયલ…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર ગ્રેનેડ હુમલો થયો છે, આ હુમલામાં 10 લોકો ગંભીર રુપે ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હુમલામાં ઘાયલ તમામ લોકો સ્થાનિય નાગરિકો છે. અત્યારે પોલીસે તમામ ઘાયલોને પાસેની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઘાયલોમાં એક સ્થાનીય પત્રકાર અને પોલીસ કર્મચારી પણ શામિલ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ આદરી છે. છેલ્લા કેટલાક સમયમાં આ પ્રકારની ઘટના આ પ્રથમ નથી. થોડા દિવસ પહેલા જ જમ્મૂ-કાશ્મીરના રામબનમાં બટોટે વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે સેનાનો એક જવાન શહિદ પણ થયો હતો. બીજી તરફ સુરક્ષા દળોએ આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા તમામ નાગરિકોને સહી-સલામત બચાવી લીધા હતા.

આ ગ્રેનેડ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ કહેવાય છે. જેમાં કેટલાંકની સ્થિતિ નાજુક છે. ઘાયલોમાં એક 12 વર્ષનું બાળક પણ છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કે અનંતનાગમાં ચાંપતા સુરક્ષાવાળા ડીસી કાર્યાલયના પરિસરની બહાર સુરક્ષા બળો પર સવારે 11 વાગ્યે ગ્રેનેડ ફેંકયો. તેમણે કહ્યું કે ગ્રેનેડનું નિશાન ચૂકાઇ જતા તે રસ્તાની પાસે જ ફાટી ગયું, આથી ત્યાંથી પસાર થતાં લોકો ઘાયલ થઇ ગયા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હુમલા બાદ વિસ્તારમાં તણાવ છે. અધિકારએ કહ્યું કે સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલામાં સામેલ આતંકવાદીઓની તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઇ સંગઠને આ ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી નથી.

ત્યારબાદ તરત જ સુરક્ષાકર્મીઓ સતર્ક થઇ ગયા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સિવાય આતંકીઓની તપાસ માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવાયું છે. આપને જણાવી દઇએ કે શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઇઓ હટાવવાના નિર્ણયને બે મહિના પૂરા થઇ ગયા છે.