10 વર્ષમાં 5000 કેસ, સજા માત્ર 40નેઃ સુપ્રીમ કોર્ટ

 નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI તરફથી પાડવામાં આવેલા દરોડા અને ધરપકડના કેસો લાઇમલાઇટમાં રહ્યા છે. હવે EDને વિપક્ષનો અવાજ દબાવવાના ઓજાર બનાવવાના આરોપ પણ લાગી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એજન્સીને સતર્ક રહેવાના નિર્દેશ આપતાં પુરાવાની ગુણવત્તા પર ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે. કોર્ટે આ ટિપ્પણી ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડાને આધારે કરી છે.

જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભુઇયાંની ખંડપીઠે EDના કેસોના આંકડા પર ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા એક નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ બધા કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો અને પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બને છે, એ બધા કેસોમાં કોર્ટમાં પ્રૂફ કરવાની જરૂર છે. છેલ્લાં 10 વર્ષોમાં 5000 કેસોમાં માત્ર 40માં સજા થઈ છે. હવે કલ્પના કરો.

ટોચની કોર્ટની ટિપ્પણી છત્તીસગઢના બિઝનેસમેન સુનીલકુમાર અગ્રવાલ દ્વારા જામીન અરજી પર સુનાવણી દરમ્યાન આવી હતી. ખંડપીઠે સોલિસિટર જનરલ SV રાજુને કહ્યું હતું કે આ મામલામાં કેટલાક સાક્ષીઓનાં નિવેદનો અને સોગંદનામાનો સહારો લઈ રહ્યા છે. આ પ્રકારના મૌખિક સાક્ષીઓ, કાલે ભગવાને જાણે એ એ વ્યક્તિ એના પર કાયમ રહેશે કે નહીં. તમે કંઈક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જોઈએ.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે EDએ છેલ્લાં 10 વર્ષોમાં PMLA હેઠળ 5297 કેસો નોંધ્યા છે. છેલ્લાં છ વર્ષોમાં હાલમાં અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો અને રાજકીય નેતાઓની વિરુદ્ધ 132 મની લોન્ડરિંગના કેસો નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે 2016થી PMLA હેઠળ 140 આરોપીઓ જેલમાં છે.