ઈઝરાયેલની મદદથી 50 ગામડાંઓ બનશે ‘વિલેજ ઓફ એક્સેલન્સ’

નવી દિલ્હી- ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ કૃષિ ક્ષેત્રમાં સહયોગ હેઠળ બનાવેલા 28 સેન્ટર ઓફ એક્સેલન્સની આસપાસના 50 ગામડાંઓને ‘વિલેજ ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસિત કરવામાં આવશે. કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ માટે ઈઝરાયેલી ટેકનિકની મદદથી આ વિસ્તારોની કાયા પલટ કરવામાં આવશે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલકાએ શુક્રવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ જાણકારી આપી. એમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ સરકારનો જળ વિભાગ મહારાષ્ટ્રમાં પાણીના સંકટના આજીવન ઉકેલ માટે એક વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી રહ્યો છે.

મલકાએ વધુમાં કહ્યું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચેના ગાઢ સંબંધો ભવિષ્યમાં બંન્ને દેશો માટે વરદાનરૂપ સાબિત થશે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતી આર્થિક ક્ષેત્રમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. અમે વિચારીએ છીએ કે, બંન્ને દેશોના કારોબારી સંસ્થાઓ વચ્ચે સત્તાવાર ભાગીદારી સંધાય.

આ ગામડાઓ અને ખેતરોને પાણી મામલે આત્મનિર્ભર બનાવાશે

એક સવાલના જવાબમાં મલકાએ કહ્યું કે, વ્યૂહાત્મક ભાગીદારી એક વ્યાપક ટર્મ છે. કૃષિ ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ભારતના 28 સ્થાનો પર 28 સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે 1.47 લાખ ખેડૂતોને તાલિમ આપવામાં આવી છે.

ભારત સરકારની સાથે મળીને હવે દરેક સેન્ટર ઓફ એક્સેલન્સની આસપાસના 50 ગામડાઓને વિલેજ ઓફ એક્સેલન્સ તૈયાર કરવામાં આવશે. આ ગામડાઓ અને તેમના ખેતરોને પાણીના મામલે આત્મનિર્ભર બનાવામાં આવશે. ખેતરોમાં પાકોના વૈવિધ્યકરણ થી લઈને ગામડાઓના વિકાસ માટે ઈઝરાયલી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.