નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,701 નવા કેસ સામે આવ્યા છે અને 500 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા નવ લાખની નજીક પહોંચી ગઈ છે. દેશમાં સતત 11મા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 8,78,254 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,174 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,53,470 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,01,609એ પહોંચી છે. રિકવરી રેટ 63.01 ટકાથી વધુ થયો છે. પોઝિટિવિટી રેટ 13.09 ટકા છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતાં ઓક્સિજન સિલિન્ડરની અછત
વૈશ્વિક કોરોના મામલામાં ભારતીય દર્દીઓનો હિસ્સો વધતો જાય છે. સરેરાશ દરરોજ 100 કોરોના દર્દીઓમાંથી 12 ભારતીય હોય છે. પાછલા સપ્તાહે એ આંકડો 8.5 હતો, પણ જે હવે વધ્યો છે. દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધતાં ઓક્સિજન સિલિન્ડરોની અછત થવા માંડી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.