જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો માટે મતદાન સવારથી શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 199 બેઠકો પર 1863 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થશે. રાજસ્થાનમાં સવારે 11 કલાક સુધી 24.74 ટકા મતદાન થયું હતું. મુખ્ય મંત્રી અશોક ગહેલોતે જોધપુરમાં મતદાન કર્યું હતું. તેમણે મતદાન પછી જીતવાનો વિશ્વાસ દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર બનશે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) તરફથી સંયુક્ત રૂપે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ચૂંટણીમાં 1875 ઉમેદવારોમાંથી આશરે 17 ટકાએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાં 36 ઉમેદવારો પર બળાત્કાર સહિત મહિલાઓની વિરુદ્ધ ગુનાના આરોપ છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થિત પૂરી કરવા માટે 1,70,000થી વધારે સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમા રાજસ્થાન પોલીસના 70,000થી વધારે જવાન, 18,000 રાજસ્થાન હોમગાર્ડ, 2000 રાજસ્થાન બોર્ડરના હોમગાર્ડ અને અન્ય રાજ્યોના 16,000 હોમગાર્ડ તેમ જ આરએસીની 120 કંપનીઓ સામેલ છે.
મતદાન કેન્દ્ર પર અથડામણ
રાજસ્થાનના ચુરુમાં મતદાન દરમિયાન એક મતદાન કેન્દ્ર પર અથડામણની ઘટના બની છે. એક પોલિંગ એજન્ટનો આરોપ છે કે ત્યાંના 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેમને ઈજા પહોંચાડી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે.
રાજસ્થાનમાં 11 વાગ્યા સુધી 24.74 ટકા મતદાન
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અજમેર- 23.43 %, અલવર- 26.15 %, બાંસવાડા- 26.37 %, બારાબંકી 28.91 %, બાડમેર- 22.11 %, ભરતપુર- 27 %, ભીલવાડા- 23.85 %, બિકાનેર- 24.52 %, બુંદી- 25.42 %, ચિત્તૌડગઢ- 24.87 %, ચુરુ- 25.09 %, દૌસા- 22.73 %, ધૌલપુર- 30.25 % ડુંગરપુર- 22.82 %, હનુમાનગઢ- 29.16 %, જયપુર- 25.19 %, જેસલમેર- 25.24 %, જાલોર- 23.24 %, ઝાલાવાડ- 28.48 %, ઝુનઝુનુ- 24.57 %, જોધપુર- 22.58 %, કરૌલી- 24.61 %, કોટા- 26.97 %, નાગૌર- 23.63 %, પોલી- 22.66 %, પ્રતાપગઢ- 22.40 % રાજસમંદ- 21.98 %, સવાઈ માધોપુર- 24.32 %, સીકર- 25.02 %, સિરોહી- 24.19 %, ટોંક – 25.16 % અને ઉદયપુરમાં- 21.07 % મતદાન થયું હતું.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા એ જયપુરમાં એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપીલ કરી.
राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 25, 2023
સચિન પાઇલટ, વસુંધરા રાજે સહિત નેતાઓએ મતદાન કર્યું
કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટ, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના વસુંધરા રાજે સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. મતદાનની પહેલા વસુંધરા રાજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા.